ખેલ-જગત
News of Tuesday, 14th May 2019

ત્રીજી વખત મેડ્રિડ ઓપનનો વિજેતા બન્યો જોકોવિચ

નવી દિલ્હી: વિશ્વના પ્રથમ ક્રમાંકિત ર્સિબયાના નોવાક જોકોવિચે ગ્રીસના સ્ટેફાનોસ સિતસિપાસને ફાઇનલ મુકાબલામાં ૬-૩, ૬-૪થી હરાવીને મેડ્રિડ માસ્ટર્સ એટીપી ટેનિસ ટૂર્નામેન્ટ જીતી લીધી હતી. જોકોવિચે ત્રીજી વખત આ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બન્યો છે. ૨૦૦૩માં પ્રોફેશનલ પ્લેયર બન્યા બાદ જોકોવિચે ૭૪ સિંગલ્સ ટાઇટલ પોતાના નામે કર્યા છે. આ ઉપરાંત તેણે સ્પેનના રફેલ નદાલના ૩૩ એટીપી માસ્ટર્સ ૧૦૦૦ ટાઇટલ જીતવાના રેકોર્ડની પણ બરોબરી કરી હતી. જોકોવિચે ફાઇનલ મુકાબલો જીતવા માટે એક કલાક ૩૨ મિનિટનો સમય લીધો હતો. જોકોવિચે સ્પેનની રાજધાનીમાં આ અગાઉ ૨૦૧૧ તથા ૨૦૧૬માં ટાઇટલ જીત્યા હતા. ફાઇનલ જીત્યા બાદ જોકોવિચે જણાવ્યું હતું કે ગ્રાન્ડ સ્લેમ બાદ આ સૌથી મોટી ટૂર્નામેન્ટ છે અને તેમાં વિજય મેળવવો અત્યંત મહત્ત્વપૂર્ણ છે. જોકોવિચ છેલ્લા ૨૫૦ સપ્તાહથી એટીપી રેન્કિંગમાં નંબર-૧ સ્થાને જળવાઇ રહ્યો છે. તે મેડ્રિડ ઓપન દ્વારા ચાલુ વર્ષે બીજી ટૂર્નામેન્ટ જીતવામાં સફળ રહ્યો છે.૩૧ વર્ષીય જોકોવિચે ચાલુ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપન જીત્યો હતો અને હવે તેના નામે ૩૩ એટીપી માસ્ટર્સ ટાઇટલ નોંધાયેલા છે. સિતસિપાસ સામે જોકોવિચ બીજી વખત રમ્યો હતો. જોકોવિચને કેનેડા માસ્ટર્સના અંતિમ-૧૬ના મુકાબલામાં ગ્રીક ખેલાડીએ પરાજય આપ્યો હતો.

(5:26 pm IST)