ખેલ-જગત
News of Wednesday, 14th March 2018

ફૂટબોલ મેદાનમાં કલબનો પ્રેસિડેન્ટ બંદૂક લઇ ધસી આવ્યો

નવી દિલ્હી: ફૂટબોલમાં રેફરીના નિર્ણયોને કારણે ઘણી વખત ચાહકો તીવ્ર પ્રતિક્રિયા આપતાં જોવા મળે છે. જોકે ગ્રીસમાં ફૂટબોલ ચેમ્પિયનશીપની એક મેચની આખરી પળોમાં કલબ ટીમના પ્રેસિડેન્ટ જ ચાલુ મેચમાં ગન સાથે ધસી ગયા હતા. આ ઘટનાના પગલે મેચ તત્કાળ અટકાવી દેવામાં આવી હતી. હકીકતમાં બન્યુ એવું કે ગ્રીસની ફૂટબોલ લીગમાં પીઓએકે કલબ અને એઈકે એથેન્સ કલબ વચ્ચે તીવ્ર હરિફાઈ ચાલી રહી છે. મેચની અંતિમ મિનિટોમાં પીઓએકે કલબે મેચ વિનિંગ ગોલ ફટકાર્યો હતો. જોકે રેફરીએ તેના પર ઓફ સાઈડ આપતાં મેચની ૯૦મી મિનિટે પીઓએકે કલબના પ્રેસિડેન્ટ ઈવાન સાવીડીસ  ગન સાથે મેદાન પર દોડી ગયા હતા અને મેચ તત્કાળ અટકાવવી પડી હતી. તેમના બચાવમાં એવો દાવો કરવામાં આવ્યો કે તેઓ તોફાનને અટકાવવા મેદાન પર પહોંચ્યા હતા. આ પછી તેઓ મેદાન છોડી ગયા હતા અને પોલીસે તેમનુ ધરપકડનું વોરંટ કાઢ્યું હતુ. જોકે હવે તેમણે માફી માગી લીધી છે. ગ્રીસમાં સુપર સેલિબ્રિટીનું સ્ટેટસ ધરાવતા સાવીડીસ હાલના વડા પ્રધાન સાથે પણ ઘરોબો ધરાવે છે, જેના કારણે તેમની સામે હવે કોઈ પગલા નહિ લેવાય તેવું મનાય છે.

(6:24 pm IST)