ખેલ-જગત
News of Wednesday, 13th January 2021

બ્રિસબેનમાં ભારતીય ક્રિકેટર્સે જાતે ટોઈલેટ સાફ કરવું પડે છે

યજમાન દેશ દ્વારા સતત હેરાનગતિ : બ્રિસબેનની હોટલમાં ટીમ રોકાઈ છે, ત્યાં સુવિધાઓની વાત કરાઈ હતી અને જે મળી રહી છે તે તદ્દન ઉલટી છે

નવી દિલ્હી, તા. ૧૩ : બ્રિસબેનમાં સીરિઝની ચોથી ટેસ્ટ મેચ માટે પહોંચેલી ભારતીય ટીમના સભ્યોને ઓસ્ટ્રેલિયા સતત હેરાન કરી રહ્યું છે. એવા મીડિયા રિપોર્ટ આવ્યા છે કે, ભારતીય ટીમને મૂળભૂત સુવિધાઓ પણ નથી આપવામાં આવી રહી. એટલું જ નહીં, તેમને જાતે જ ટોઈલેટ સાફ કરવું પડી રહ્યું છે અને ખાવાનું પણ બહારથી એક ભારતીય રેસ્ટોરન્ટમાંથી મંગાવવામાં આવી રહ્યું છે.

આ દરમિયાન ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ ફરી કહ્યું કે, ખેલાડીઓના હિતોનું રક્ષણ કરવું સૌથી મહત્વનું છે. ભારતીય બોર્ડ એ સુનિશ્ચિત કરવા માટે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સંપર્કમાં છે. ગાબામાં ૧ ફેબ્રુઆરીથી ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે ચોથી અને છેલ્લી ટેસ્ટ મેચ રમાવાની છે.

આવા રિપોર્ટસ સામે આવ્યા છે કે, બ્રિસબેનની જે હોટલમાં ભારતીય ટીમ રોકાઈ છે, ત્યાં જે સુવિધાઓની વાત કરવામાં આવી હતી અને જે મળી રહી છે તે 'તદ્દન ઉલટી' છે. હોટલમાં કોઈ અન્ય મહેમાન ન હોવા છતાં ખેલાડીઓએ પોતાના ફ્લોરની બહાર જવાની મંજૂરી નથી.

એક રિપોર્ટ મુજબ, ભારતીય ટીમના સભ્યો માટે હાઉસકિપિંગની પણ સુવિધા નથી અને તે પોતે પથારી કરે છે, ટોઈલેટ સાફ કરે છે અને બ્રિસબેનમાં એક નજીકના ભારતીય રેસ્ટોરન્ટમાંથી ખાવાનું મંગાવાય છે.

એટલું જ નહીં, ટીમ ઈન્ડિયા માટે જિમ અને સ્વિમિંગ પૂલના ઉપયોગ પર પ્રતિબંધ છે. સિડની ટેસ્ટ પછી ભારતીય ટીમમાં ઈજાગ્રસ્ત ખેલાડીઓની વધતી સંખ્યાને જોતા આ ઘણો ખરાબ અનુભવ છે, કેમકે સિડની ટેસ્ટ પછી રિકવરી પર કામ કરવાની ઘણી ઓછી સુવિધાઓ ખેલાડીઓને મળી રહી છે.

બીસીસીઆઈએ તેના પર ધ્યાન આપ્યું છે અને ચિંતા વ્યક્ત કરી છે. બોર્ડે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને સ્પષ્ટ કહ્યું છે કે, ખેલાડીઓના પ્રવાસને સહજ બનાવવાની જરૂર છે. ભારતીય ટીમ નવેમ્બરની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયા પહોંચી હતી અને લગભગ ૨ મહિનાથી બાયો-સિક્યોર પ્રોટોકોલમાં રહે છે.

જાણકારી મુજબ, બીસીસીઆઈ અધ્યક્ષ સૌરભ ગાંગુલી અને સચિવ જય શાહે બંને સીએ અધિકારીઓના સંપર્કમાં છે અને તેમને આશ્વાસન અપાયું છે કે, ખેલાડીઓને બ્રિસબેનમાં સહજ બનાવવા માટે તાત્કાલિક પ્રભાવથી પગલાં ભરવામાં આવશે.

બીસીસીઆઈ ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ સંભાળી રહેલા અજિંક્ય રહાણે અને હેડ કોચ રવિ શાસ્ત્રીની સાથે પણ સંપર્કમાં છે અને શક્ય તેટલું જલદી બોર્ડ આ પ્રકારની બધી સમસ્યાઓને દૂર કરવા માટે કામ કરી રહ્યું છે. ઓસ્ટ્રેલિયા સામે સીરિઝની છેલ્લી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયા મંગળવારે બ્રિસબેન પહોંચી. એવી અટકળો લગાવાઈ રહી હતી કે, ભારતીય ટીમ કોવિડ-૧૯ પ્રતિબંધોના કારણે બ્રિસબેનનો પ્રવાસ કરવા માટે ઉત્સુક ન હતી, પરંતુ બાદમાં સીએના નિક હોકલેએ અફવાઓને ફગાવી દીધી અને કહ્યું હતું કે, ભારતીય ખેલાડીઓ ક્વીન્સલેન્ડ જશે.

(7:53 pm IST)