ખેલ-જગત
News of Sunday, 13th October 2019

જેણે યોકોવિચને હરાવ્યો હતો તે જ ખેલાડી બહાર ફેંકાઈ જતા મેજર અપસેટ સર્જાયો

મુંબઇ : રશિયાના ૨૩ વર્ષીય ટેનિસ સ્ટારે મેડ્વડેવે શાનદાર ફોર્મ જારી રાખતાં ગ્રીસના સિત્સિપાસને ૭-૬ (૭-૫), ૭-૫થી હરાવીને શાંઘાઈ માસ્ટર્સની ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. આ સાથે મેડ્વેડેવે ચાલુ વર્ષે નવમી ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. હવે તેનો મુકાબલો જર્મનીના યુવા ખેલાડી એલેક્ઝાન્ડર ઝ્વેરેવ સામે થશે. ઝ્વેરેવે અન્ય સેમિ ફાઈનલમાં ઈટાલીના બેરેન્ટિનીને સીધા સેટોમાં ૬-૩,૬-૪થી મહાત કર્યો હતો.

શાંઘાઈ માસ્ટર્સની ફાઈનલ મેડ્વેડવ અને ઝ્વેરેવ જેવા સરપ્રાઈઝ ફાઈનલીસ્ટ્સ વચ્ચે રમાશે. સેમિ ફાઈનલમાં મેજર અપસેટની હારમાળા સર્જાઈ હતી અને યોકોવિચ-ફેડરર અને થિયમ હારીને બહાર ફેંકાયા હતા. યોકોવિચ સિત્સિપાસ સામે, ફેડરર ઝ્વેરેવ સામે અને થિયમ બેરેન્ટિની સામે હાર્યા હતા. નવી જનરેશનના સુપરસ્ટાર્સ વચ્ચેના મુકાબલામાં રશિયન ખેલાડી મેડ્વેડેવે બાજી મારી હતી. આ સાથે મેડ્વેડેવે સિત્સિપાસ સામેની પાંચમી મેચ પણ જીતી લીધી હતી.

ઝ્વેરેવે બેરેન્ટિની સામે આસાન જીત મેળવતા રેન્કિંગમાં ટોપ-૭માં સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આ સાથે તેણે એટીપી ફાઈનલ્સમાં ક્વોલિફાય થવાની આશાને જીવંત રાખી હતી. મેડ્વેડેવ અને ઝ્વેરેવ વચ્ચે અત્યાર સુધી ચાર મુકાબલા ખેલાયા છે અને ચારેય ઝ્વેરેવ જીત્યો છે. જોકે મેડ્વેડેવનું હાલનું ફોર્મ જોતા તે ઝ્વેરેવને હરાવીને ઈતિહાસ રચી શકે છે.

(11:41 am IST)