ખેલ-જગત
News of Sunday, 13th October 2019

અમેરિકાની લેજન્ડરી એથ્લિટ બાઈલ્સે 23મો મેડલ જીતી ઈતિહાસ રચ્યો, રશિયાની ખોર્કિનાનો રેકોર્ડ ધ્વંસ

મુંબઇ : અમેરિકાની લેજન્ડરી એથ્લીટ સિમોન બાઈલ્સે જર્મનીમાં ચાલી રહેલી વર્લ્ડ જિમ્નાસ્ટીક ચેમ્પિયનશિપમાં વોલ્ટની ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવાની સાથે ઈતિહાસ રચી દીધો છે. આ સાથે બાઈલ્સે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કારકિર્દીનો ૧૭મો ગોલ્ડ અને ઓવરઓલ ૨૩મો મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે. બાઈલ્સે વર્લ્ડ જિમ્નાસ્ટીક ચેમ્પિયનશિપમાં સર્વાધિક ૨૩ મેડલ જીતવાના બેલારુસીય પુરુષ જિમ્નાસ્ટ વિતાલી સ્ચેરબોના વર્લ્ડ રેકોર્ડની બરોબરી કરી લીધી છે.

બાઈલ્સે આ સાથે હાલ ચાલી રહેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ત્રીજો ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો અને ત્યાર બાદ ઓલ-અરાઉન્ડ ઈવેન્ટમાં પણ સુવર્ણ સફળતા હાંસલ કરી હતી. બાઈલ્સે આ ચેમ્પિયનશિપમાં સૌપ્રથમ ગોલ્ડ જીતીને વર્લ્ડ ચેમ્પિયનશિપની સૌથી વધુ મેડલ જીતનારી મહિલા જિમ્નાસ્ટ તરીકેનો રશિયાની ખોર્કિનાનો રેકોર્ડ તોડયો હતો. હવે તે જિમ્નાસ્ટિક ચેમ્પિયનશિપના ઈતિહાસની સૌથી વધુ મેડલ જીતનારી ખેલાડી બનવાથી એક જ મેડલ દૂર છે.

સ્ટુટગાર્ટ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બાઈલ્સની હજુ ત્રણ ઈવેન્ટની ફાઈનલ બાકી છે. હવે જો તે એક પણ મેડલ જીતશે તો વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સૌથી વધુ મેડલ જીતનારી જિમ્નાસ્ટ બની જશે. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સર્વાધિક ગોલ્ડ જીતવાનો વર્લ્ડ રેકોર્ડ તેના નામે છે, જેને તે આગળ ધપાવી રહી છે.

 

(11:40 am IST)