ખેલ-જગત
News of Thursday, 13th September 2018

સૈફ કપમાં ભારતે પાકિસ્તાનને 3-1થી હરાવ્યું

નવી દિલ્હી: મનવીર સિંઘે બે અને સુમિત પાસ્સીના એક ગોલને સહારે ભારતે ૩-૧થી પાકિસ્તાનને હરાવીને સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશનની ( સાફ) ચેમ્પિયનશીપની ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. હવે ફાઈનલમાં ભારતનો મુકાબલો તારીખ ૧૫મી સપ્ટેમ્બરને શનિવારે માલદિવ સામે થશે. બીજી સેમિ ફાઈનલમાં માલદિવે ૩-૦થી નેપાળને પરાસ્ત કર્યું હતુ. ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈવોલ્ટેજ સેમિ ફાઈનલમાં પ્રથમ હાફમાં બંનેમાંથી કોઈ ટીમ ગોલ ફટકારી શકી નહતી. જોકે બીજા હાફની શરૃઆતમાં જ મનવીર સિંઘના ગોલને સહારે ભારતને ૧-૦થી સરસાઈ મળી ગઈ હતી. આ પછી મનવીરે મેચની ૬૯મી મિનિટે બીજો ગોલ ફટકારતાં ભારતની જીતને લગભગ નિશ્ચિત કરી દીધી હતી. સુમિત પાસ્સીએ ૮૪મી મિનિટે ફટકારેલા ગોલને સહારે ભારતની સરસાઈ ૩-૦ થઈ ગઈ હતી. આખરી બે મિનિટ બાકી હતી, ત્યારે હસન બશીરે પાકિસ્તાન તરફથી એકમાત્ર ગોલ નોંધાવ્યો હતો. 

(5:56 pm IST)