ખેલ-જગત
News of Friday, 13th July 2018

કુલદીપ અને રોહિતે જીત અપાવી

ઈંગ્લેન્ડ ૨૬૮/૧૦ : ટીમ ઈન્ડિયા ૨૬૯/૨ : વન-ડેમાં ૧-૦ની લીડ : કુલદીપે ૨૫ રન આપીને ૬ વિકેટો ઝડપી તો રોહિત શર્માએ વન-ડેમાં ૧૮મી સદી ફટકારી

નોટિગ્હામ,તા. ૧૩ : નોટિગ્હામ ખાતે રમાયેલી પ્રથમ વનડે મેચમાં વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતે ઇંગ્લેન્ડ પર આઠ વિકેટે જીત મેળવી હતી. રોહિત શર્માએ વધુ એક સદી ફટકારીને શાનદાર ફોર્મ જાળવી રાખ્યો હતો. રોહિત શર્માએ ૧૮મી સદી ફટકારી હતી.

ઇંગ્લેન્ડે ૨૬૯ રન બનાવ્યા હતા. જેની સામે ભારતે માત્ર બે વિકેટ ગુમાવીને જીતવા માટેના જરૂરી રન બનાવી  લીધા હતા. રોહિત શર્માએ ૧૧૪ બોલમાં ચાર છગ્ગા અને ૧૫ ચોગ્ગાની મદદથી અણનમ ૧૩૭ રન કર્યા હતા. કેપ્ટન વિરાટ કોહલી ૮૨ બોલમાં સાત ચોગ્ગાની મદદથી ૭૫ રન કરીને આઉટ થયો હતો.

આ બન્ને ખેલાડીઓએ બીજી  વિકેટની ભાગીદારીમાં ૧૬૭ રન કર્યા હતા. રોહિત શર્મા અને શિખર ધવને ભારત તરફથી શાનદાર શરૂઆત કરી હતી. તે પહેલા કુલદીપના તરખાટની સામે ઇંગ્લેન્ડની ટીમ જંગી જુમલો ખડકી દેવામાં નિષ્ફળ રહી હતી. ઇંગ્લેન્ડ તરફથી બટલરે ૫૩ અને બેન સ્ટોક્સે ૫૦ રન કર્યા હતા. આ બન્ને ખેલાડીઓએ પાંચમી વિકેટની ભાગીદારીમાં ૯૩ રન ઉમેર્યા હતા.

વનડે શ્રેણીની બીજી મેચ આવતીકાલે ૧૪મી જુલાઇના દિવસે લોડ્ર્સ ખાતે રમાશે. ભારતે ઇંગ્લેન્ડ પર હાલમાં ટ્વેન્ટી શ્રેણીમાં ૨-૧થી જીત મેળવી હતી. તે પહેલા આયર્લેન્ડ સામે પણ ભારતે ટ્વેન્ટી શ્રેણી જીતી લીધી હતી. ઇંગ્લેન્ડ પ્રવાસમાં ભારતીય ટીમ જોરદાર ફોર્મમાં છે. જ્યારે ઇંગ્લેન્ડે છેલ્લે ઓસ્ટ્રેલિયા પર ૫-૦થી જીત મેળવી હતી. જો કે ઇંગ્લેન્ડના ખેલાડી ભારત સામે ફ્લોપ સાબિત થઇ રહ્યા છે.

(3:54 pm IST)