ખેલ-જગત
News of Wednesday, 12th June 2019

કાલે ભારત - ન્યુઝીલેન્ડ વચ્ચે મુકાબલો : વરસાદ વિલન બનશે?

ટીમ ઈન્ડિયાના ટાઈગર્સ સતત ત્રીજો મેચ જીતવા કૂચ કરશે : ઓપનીંગ કોણ કરશે? ક્રિકેટપ્રેમીઓમાં ચર્ચા : રિષભ પંતને ઈંગ્લેન્ડ બોલાવાયો

નોટિગ્હામ,તા. ૧૨ : નોટિગ્હામના ઐતિહાસિક મેદાન ખાતે આવતીકાલે આઇસીસી વર્લ્ડ કપની મેચમાં ભારતની ટક્કર ન્યુઝીલેન્ડ સામે થનાર છે. જો વરસાદ વિલન નહીં બને તો ચાહકોને એક રોમાંચક મેચ જોવા મળી શકે છે. કારણ કે વર્તમાન વર્લ્ડ કપમાં બંને ટીમોએ પોત પોતાની તમામ મેચો જીતી છે. ભારતીય ટીમ હોટફેવરીટ તરીકે મેદાનમાં ઉતરનાર છે. ભારતે પોતાની મેચો જીતીને પોતાની તાકાતનો પરિચય આપી દીધો છે. નોટિગ્હામમાં રમાનારી મેચમાં ભારત તરફથી શિખર ધવન રમનાર નથી. તે ઇજાગ્રસ્ત થયો છે.

જેથી તેની જગ્યાએ આવતીકાલની મેચમાં ઓપનિંગ કોણ કરશે તે મોટો પ્રશ્ન થઇ ગયો છે.  વર્લ્ડ કપની હજુ સુધીની સૌથી રોચક મેચ પૈકીની એક મેચ તરીકે આ રહી શકે છે. પાંચમી જુનના દિવસે પોતાની પ્રથમ મેચમાં વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાની સામે જીત મેળવીને શાનદાર શરૂઆત કર્યા બાદ ભારતે નવમી જુનના દિવસે ઓવલમાં ઓસ્ટ્રેલિયા સામે જીત મેળવી હતી.  બંને ટીમો ટક્કરની ટીમ હોવાથી મેચ જોરદાર રહેનાર છે.

ભારતીય ટીમ તરફથી પ્રથમ મેચમાં જ રોહિત શર્માએ સદી ફટકારી શાનદાર ફોર્મમાં હોવાની સાબિતી આપી દીધી છે. ધોનીએ પણ શાનદાર બેટિંગ કરી છે.  વિરાટ કોહલી પણ ફોર્મમાં આવી ચુક્યો છે.   બોલિંગમાં જશપ્રીત બુમરાહ પણ તમામ ચાહકોની નજર રહેશે. આ મેચને લઇને જોરદાર ઉત્સાહ ભારતમાં પ્રવર્તી રહ્યો છે. મોટી સંખ્યામાં ભારતીય ચાહકો મેચ જોવા માટે મેદાનમાં પણ રહે તેવી શક્યતા છે. બંને ટીમો જીતની બાજી લગાવી દેવા માટે તૈયાર દેખાઇ રહી છે.

વર્લ્ડ કપમાં બંને ટીમોના દેખાવની વાત કરવામાં આવે તો ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપમાં હજુ સુધી સાત મેચો રમાઇ છે. જે પૈકી ન્યુઝીલેન્ડની ટીમ ભારત પર સહેજમાં લીડ ધરાવે છે. ન્યુઝીલેન્ડે ભારત પર ચાર જીત મેળવી છે. ભારતે ત્રણ જીત મેળવી છે. છેલ્લે વર્લ્ડ કપ ૨૦૦૩માં બંને ટીમો સામ સામે આવી હતી. એ વખતે ભારતીય ટીમે સાત વિકેટે જીત મેળવી હતી. કેપ્ટન કોહલી અને ન્યુઝીલેન્ડના કેપ્ટન વિલિયમસનની કસોટી થનાર છે.

ન્યુઝીલેન્ડ : વિલિયમસન (કેપ્ટન) બ્લન્ડેલ, બોલ્ટ, ગ્રાન્ડહોમ, ફર્ગુસન, માર્ટિન ગુપ્ટિલ, હેનરી, ટીમ લાથમ, મુનરો, નિશામ, નિકોલસ, સેન્ટનર, શોઢી, રોસ ટેલર, ટીમ સાઉથી,

ભારત : વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, એમએસ ધોની, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, વિજય શંકર, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જશપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, કુદદીપ યાદવ.

(3:42 pm IST)