ખેલ-જગત
News of Wednesday, 13th June 2018

ઓસ્ટ્રેલિયા- ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ વનડે શરૂ

નવી દિલ્હી: બોલ ટેમ્પરિંગ વિવાદ બાદ ટીમમાં અને ત્યાર બાદ કોચિંગમાં આવેલા પરિવર્તન પછી ઓસ્ટ્રેલિયાની ન્યૂ લૂક ટીમ ઈંગ્લેન્ડ સામે ઓવલમાં પ્રથમ વન ડે રમશે. ઓસ્ટ્રેલિયા નવા કોચ જસ્ટીન લેંગરના માર્ગદર્શનમાં પહેલી વખત રમવા માટે ઉતરશે. જ્યારે સ્કોટલેન્ડ સામેની હારના આઘાતમાંથી બહાર આવીને ઈંગ્લેન્ડ તેના ચિરપરિચિત હરિફ સામેની સિરિઝની પ્રથમ મેચ જીતવાની કોશિશ કરશે.ઓવલમાં વન ડે શરૃ થશે, ત્યારે ભારતમાં સાંજના ૫.૩૦ વાગ્યા હશે. કેપ્ટન ટીમ પૈનની મદદ માટે ઓસ્ટ્રેલિયાએ કોચ લેંગરના સપોર્ટ સ્ટાફમાં ભૂતપૂર્વ કેપ્ટન પોન્ટિંગને પણ ઈંગ્લેન્ડ મોકલ્યો છે. ઓસ્ટ્રેલિયા સામેનો ઈંગ્લેન્ડનો વન ડે રેકોર્ડ નાલેશીભર્યો રહ્યો છે. તેઓ ૧૪૨માંથી ઓસ્ટ્રેલિયા સામે માત્ર ૫૨ વન ડે જીતી શક્યા છે. ઈંગ્લેન્ડ માટે ઓલરાઉન્ડર સ્ટોક્સ અને ફાસ્ટ બોલર વોક્સની ગેરહાજરી પરેશાનીનું કારણ બની શકે. આમ છતાં જોશ બટલર, રૃટ, હેલ્સ અને મોર્ગન જેવા બેટ્સમેનો બાજી પલ્ટી શકે છે. ટોમ કરન કે ડેવિડ વિલીમાંથી એકને ટીમમાં સ્થાન મળશે. જ્યારે પ્લન્કેટ્ટ તેમજ વૂડનું સ્થાન નક્કી છે. સ્પિનર આદિલ રાશિદ અને મોઈન અલી પર પણ ટીમનો આધાર રહેશે.

(4:49 pm IST)