ખેલ-જગત
News of Wednesday, 13th June 2018

ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સીરીઝ માટે ટીમ મેનેજમેન્ટ શમીને ફીટ જોવા માંગે છે

નવી દિલ્હી: ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શમી યો-યો ટેસ્ટમાં નિષ્ફળ જતા અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ ટીમથી બહાર થઈ ગયો છે. મોહમ્મદ શમી છેલ્લા કેટલાક મહિનાથી પારિવારીક સમસ્યાના કારણે તણાવનો સામનો કરી રહ્યો છે અને અફઘાનિસ્તાન સામેની ટેસ્ટના ૩ દિવસ પહેલા તેને ટીમમાંથી બહાર કરાયાની જાણકારી મળી. ત્યારે હવે મોહમ્મદ શમીની જગ્યાએ દિલ્હીના ઝડપી બોલર નવદીપ સૈનીને ટીમમાં સ્થાન આપવામાં આવ્યુ છે. 
મળતી માહિતી મુજબ મોહમ્મદ શમી ભલે અફઘાનિસ્તાન ટેસ્ટનો ભાગ ન બની શક્યો પરંતુ ઈંગ્લેન્ડ સામે ઓગસ્ટમાં યોજાનાર ટેસ્ટ સીરીઝ માટે ટીમ મેનેજમેન્ટ તેને ફીટ જોવા માંગે છે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ગુરુવારથી બેંગ્લુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં એકમાત્ર ટેસ્ટ મેચ રમાવાની છે. ટીમ મેનેજમેન્ટ સાથે સંકળાયેલ સુત્રોએ જણાવ્યુ કે, શમીની ક્રિકેટ પ્રતિભા પર કોઈને સવાલ નથી, તે એક શાનદાર બોલર છે. ટીમ તેને ફરી એકવાર સંપૂર્ણ ફીટ જોવા માંગે છે અને ઈંગ્લેન્ડ સામેની ટીમમાં શારીરિક અને માનસિક રુપથી સામેલ કરવા માંગે છે. સુત્રોએ જણાવ્યુ કે, આઈપીએલ-૧૧માં દિલ્હી ડેરડેવિલ્સ ટીમના કોચ રીકી પોંટીગે ૨૮ વર્ષીય મોહમ્મદ શમીને પોતાના પારીવારીક મામલાના કારણે ટીમ સાથે યાત્રા કરવામાંથી બ્રેક લેવા પણ જણાવ્યુ હતું. મહત્વનુ છે કે હાલ શમીને ઈંગ્લેન્ડ સામેની ટી-૨૦ અને વન-ડે ટીમમાં સામેલ નથી કરાયો. 

(4:46 pm IST)