ખેલ-જગત
News of Monday, 13th May 2019

આઇપીએલની ૧૨મી સિઝનના ફાઇનલ બાદ મહેન્‍દ્રસિંહ ધોનીએ આગામી વર્ષે પણ રમવાનો સંકેત આપી દીધો

હૈદરાબાદઃ મહેન્દ્ર સિંહ ધોની ક્રિકેટ સફર ક્યારે સમાપ્ત થશે, શું ઈંગ્લેન્ડમાં યોજાનારા વિશ્વ કપ બાદ? કે કહેવું મુશ્કેલ છે કારણ કે આઈપીએલની 12મી સિઝનના ફાઇનલ બાદ ધોનીએ આગામી વર્ષે પણ રમવાનો સંકેત આપી દીધો છે.

ધોનીની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સને રવિવારે રમાયેલી ફાઇનલ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના હાથે એક રને હાર મળી. સુપર કિંગ્સ આઠમી વખત ફાઇનલમાં પહોંચી હતી. મુંબઈએ તેને હરાવીને ચોથી વખત ટ્રોફી પોતાના નામે કરી હતી.

પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટ્રેટર સંજય માંજરેકરે મેચ બાદ ધોની સાથે લાંબી વાતચીત કરી હતી. આ દરમિયાન ધોનીએ મેચને લઈને ઘણા મહત્વના મુદ્દા પર ચર્ચા કરી હતી. ધોનીએ કહ્યું કે, બંન્ને ટીમોએ ઘણી બધી ભૂલ કરી અને જે ટીમે એક ભૂલ ઓછી કરી, તેની જીત થઈ.

માંજરેકરે જ્યારે ધોનીને તે પૂછ્યું કે શું આગામી વર્ષે પણ આઈપીએલમાં હશે, તો ધોની રહસ્યમય જવાબ આપીને ચાલ્યો ગયો. ઈન્ટરવ્યૂ બાદ માંજરેકરે જતા-જતા ધોનીને કહ્યું, શાનદાર સફર રહી. તમને આગામી સિઝનમાં ફરી જોવાની ઈચ્છા છે. તેના પર ધોનીએ કહ્યું, 'હાં' આશા છે.

કહેવામાં આવી રહ્યું છે કે 37 વર્ષનો ધોની ઈંગ્લેન્ડમાં 30 મેથી શરૂ થતા વિશ્વ કપ બાદ સંન્યાસ લઈ શકે છે, પરંતુ અત્યાર સુધી તેણે કોઈપણ પ્રકારનો સંકેત આપ્યો નથી. આઈપીએલ-12માં તેણે ચેન્નઈ માટે સૌથી વધુ રન બનાવ્યા છે. તેની ફિટનેસ પણ સારી છે. વિકેટની પાછળ તેની ચપળતા આજે પણ જોવા મળે છે.

તેવામાં ધોનીને આગામી વર્ષે આઈપીએલની નવી સિઝનમાં ફરી જોઈ શકાશે? તેનો જવાબ લગભગ ધોની જ આપી શકે છે.

(5:36 pm IST)