ખેલ-જગત
News of Monday, 13th May 2019

વર્લ્ડ કપની તૈયારી માટે આઇપીએલ સૌથી બેસ્ટ ટુર્નામેન્ટ : રોહિત શર્મા

વર્કલોડ મેનેજમેન્ટનો નિર્ણય અમે જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યા પર છોડી દીધો હતો

હૈદ્રાબાદ : મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ વર્લ્ડ કપ પહેલાં વર્કલોડ મેનેજમેન્ટ વિશે ચાલી રહેલી ચર્ચા બાબતે કહ્યું કે વર્લ્ડ કપ જેવી ગ્લોબલ ટુર્નામેન્ટ પહેલાં પોતાને ચકાસવા આઇપીએલ આદર્શ ટુર્નામેન્ટ છે. તેણે કહ્યું કે બે મહિના ચાલેલી આ ટી૨૦ ટુર્નામેન્ટમાં મેં મારા ખેલાડીઓ ખાસ કરીને હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહ પર વર્કલોડ મેનેજમેન્ટનો નિર્ણય છોડી દીધો હતો.

ફાઇનલ પહેલાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં રોહિતે કહ્યું, અમે ટુર્નામેન્ટ શરૂ થતાં પહેલાં કહ્યું હતું કે ટુર્નામેન્ટ વખતે જોઈશું કે ખેલાડીઓ કેવું અનુભવી રહ્યા છે. વર્કલોડ મેનેજમેન્ટ વ્યકિતગત બાબત છે અને ખેલાડીઓ વધુ સારો નિર્ણય લઈ શકે છે. દાખલા તરીકે જસપ્રીતની વાત કરું તો તે મેચ રમવા માગે છે જેથી તે તેની રિધમ જાણી શકે. અમે તેને કહી દીધું હતું કે તને જયારે આરામ લેવો હોય ત્યારે લઈ લેજે. અમારા ફિઝિયોથેરપિસ્ટ સતત તેની સંભાળ કરી રહ્યા છે.

જસપ્રીતે અમને સતત રિસ્પોન્સ આપ્યો છે. આમ, સમસ્યા હાર્દિક પંડ્યા અને જસપ્રીત કોઈની સાથે નથી રહી. દરેક લીગ મેચ રમવાનો નિર્ણય તેમનો પોતાનો હતો. વર્લ્ડ કપ પહેલાં હાર્દિક ફોર્મમાં રહે એ ખૂબ જરૂરી છે. આઇપીએલમાં સારું પર્ફોર્મ કરવાથી ખેલાડીઓના આત્મવિશ્વાસ પર સકારાત્મક અસર પડે છે.

(3:34 pm IST)