ખેલ-જગત
News of Tuesday, 13th March 2018

પાન્ડે - કાર્તિક જીતાડ્યા : ભારતે બદલો લીધો

શ્રીલંકા ૧૫૨/૯, ભારત ૧૫૩/૪ : શાર્દુલે ૪ વિકેટો ખેરવી : રોહિત ફરી ફેઈલ : રૈનાએ આક્રમક ૨૭ ફટકાર્યા : પોઈન્ટ ટેબલમાં ટીમ ઈન્ડિયા ટોચ ઉપર

ગઈકાલે વરસાદના વિઘ્નવાળી મેચમાં શાર્દુલ ઠાકુરની વેધક બોલીંગ બાદ મનીષ પાંડેના નોટઆઉટ ૪૨ રનને કારણે ભારતે શ્રીલંકાને ૬ વિકેટે પરાજય આપ્યો હતો. વિજય માટે ૧૫૩ રનનાં લક્ષ્યાંકનો પીછો કરતા ભારતની શરૂઆત સારી નહોતી રહી. બાવીસ રનમાં જ ઓપનર રોહિત શર્મા (૧૧) અને શિખર ધવન (૮)ની વિકેટ ગુમાવી હતી. સુરેશ રૈનાએ આક્રમક ૧૫ બોલમાં ૨૭ રન કર્યા હતા. લોકેશ રાહુલ (૧૮) ટી-૨૦માં હિટવિકેટ થનારો પહેલો ભારતીય બેટ્સમેન બન્યો હતો. દિનેશ કાર્તિક (૩૯ નોટઆઉટ) અને મનીષ પાંડે વચ્ચે પાંચમી વિકેટ માટે ૪૬ બોલમાં ૬૮ રનની પાર્ટનરશીપ થઈ હતી. વળી આ જીતને કારણે ભારત પોઈન્ટ ટેબલમાં પણ ટોચના સ્થાને આવ્યુ.

ભારતીય યુવા બોલર શાર્દુલ ઠાકુરના શ્રેષ્ઠ બોલીંગ - પ્રદર્શનને કારણે શ્રીલંકાની ટીમ ઓપનર કુશાલ મેન્ડીસની શાનદાર હાફ સેન્ચુરી બાદ મિડલ ઓર્ડરમાં થયેલા ધબડકાને કારણે ૯ વિકેટે ૧૫૨ રન કરી શકી હતી. વરસાદને કારણે એક કલાકનો સમય વેડફાતા મેચને એક ઓવર ઘટાડીને ૧૯-૧૯ ઓવરની કરવામાં આવી હતી. શ્રીલંકાએ પહેલા બેટીંગ કરતા મેન્ડીસે ૩૮ બોલમાં શાનદાર પંચાવન રન કર્યા હતા, પરંતુ શાર્દુલ ઠાકુરે નિયમિત અંતરે વિકેટ લઈને ભારતને મેચમાં વાપસી કરાવી હતી.

શાર્દુલે ૪ ઓવરમાં ૨૭ રન આપીને ૪ વિકેટ ઝડપી હતી, તો વોશીંગ્ટન સુંદરે ૨૧ રન આપીને બે વિકેટ લીધી હતી. વિજય શંકર, યુઝવેન્દ્ર ચહલ અને જયદેવ ઉનડકટને એક - એક વિકેટ મળી હતી. શ્રીલંકાએ પહેલી બે ઓવરમાં ૨૪ રન કરતા એક તબક્કે ટોસ જીતીને પહેલા ફીલ્ડીંગ લેવાનો કેપ્ટન રોહિત શર્માનો નિર્ણય ખોટો સાબિત થયો હોય એવુ જણાતુ હતું. પહેલી ઓવરમાં ૧૫ રન આપનાર જયદેવને તરત બોલીંગમાંથી હટાવવામાં આવ્યો હતો. આઉટ કરી ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. ત્યાર બાદની ઓવરમાં સુંદરે કુશાલ પરેરા (૩)ને આઉટ કર્યો હતો.

જો કે ત્યારબાદ કુશાલ મેન્ડીસ અને ઉપુલ થરંગા (૨૨)એ સાથે મળીને ભારતીય બોલરોની હાલત બગાડતા ત્રીજી વિકેટ માટે ૬૨ રનની પાર્ટનરશીપ કરી હતી. કુશાલે તમામ ભારતીય બોલરોને ઝુડ્યા હતા. વિજય શંકરે ઉપુલ થરંગાને આઉટ કર્યો હતો. દરમિયાન કુશાલે માત્ર ૩૧ બોલમાં પોતાની હાફ સેન્ચુરી પુરી કરી હતી. ભારતે થીસારા પરેરા, જીવન મેન્ડીસ અને કુશાલ મેન્ડીસની વિકેટ લીધી હતી. શાર્દુલ ઠાકુરે ૧૯મી ઓવરમાં દાસુન શનાકા (૧૯) અને દુષ્મંથા ચમીરાની વારાફરતી વિકેટ લીધી હતી અને તેને માટે હેટટ્રીકનો ચાન્સ હતો પણ તે ત્રીજી વિકેટ નહોતો લઈ શકયો.

(4:38 pm IST)