ખેલ-જગત
News of Tuesday, 13th February 2018

ઈમરાન તાહિરને આપી ભારતીય સમર્થકે ગાળ

જોહનિસબર્ગમાં રમાયેલી ચોથી વન-ડે દરમ્યાન મૂળ પાકિસ્તાનના આ ખેલાડી સાથે બનેલી ઘટનાના મામલે સાઉથ આફ્રિકાના ક્રિકેટ બોર્ડે શરૂ કરી તપાસ

વિવાદ સ્ટેડિયમમાં હાજર ભારતીય સમર્થકો સાથે બોલાચાલી કરતો ઈમરાન તાહિર.

સાઉથ આફ્રિકાના સ્પિનર ઈમરાન તાહિરે આરોપ મૂકયો છે કે વિરાટ કોહલીની ટીમ સામેની ચોથી વન-ડે દરમ્યાન એક ભારતીય સમર્થકે મને વાંશિક ગાળ આપી હતી. આ મામલે સાઉથ આફ્રિકાના ક્રિકેટ બોર્ડે તપાસ શરૂ કરી છે. તાહિર જોહનિસબર્ગમાં રમાયેલી વરસાદથી પ્રભાવિત મેચમાં નહોતો રમી રહ્યો જેમાં ભારત પાંચ વિકેટે હારી ગયું હતું.

સાઉથ આફ્રિકાની ટીમના મેનેજર મોહમ્મદ મુસાજીએ કહ્યું કે 'આ ખેલાડી જ્યારે ૧૨મા ખેલાડીની ભૂમિકા ભજવી રહ્યો હતો ત્યારે તેની વિરુદ્ધ આવી ટિપ્પણી થઈ હતી. મને ઈમરાનની વાતથીએ વાત સમજમાં આવી કે મેચ વખતે એક વ્યકિતએ તેની સામે વાંશિક ટિપ્પણી કરી હતી. તેણે ડ્રેસિંગરૂમમાં ઊભેલા સુરક્ષા- કર્મચારીઓને આ સંદર્ભે જણાવ્યું હતું અને તેઓ આવી ટિપ્પણી કરનાર વ્યકિતને જોવા ગયા. ઈમરાને જે જણાવ્યું હતું એ પ્રમાણે તે માણસ ભારતીય સમર્થક હતો.' મુસાજીએ જણાવ્યા પ્રમાણે ક્રિકેટ બોર્ડે આ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. તેમણે કહ્યું હતું કે જયારે તાહિર ત્યાં ગયો ત્યારે બન્ને તરફથી કંઈક કહેવામાં આવતું હતું અને ત્યારની પરિસ્થિતિને સામાન્ય બનાવવા માટે ઈમરાનને ત્યાંથી દૂર લઈ જવાયો હતો. આ ઘટનામાં ક્રિકેટ બોર્ડે મૂળ પાકિસ્તાનના પરંતુ સાઉથ આફ્રિકાની ટીમ વતી રમતા ઈમરાન તાહિર વિરુદ્ધ કોઈ દંડ નથી કર્યો. સોશ્યલ મીડિયામાં આ મામલે એક વિડિયો બહાર આવ્યો છે જેમાં તાહિર સમર્થકો સાથે વિવાદ કરી રહ્યો છે. આ વિડિયો એક ભારતીય સમર્થકે બનાવ્યો છે. જેમાં બન્ને પક્ષો વચ્ચે કોઈ મારામારી નથી થઈ.

(3:36 pm IST)