ખેલ-જગત
News of Sunday, 13th January 2019

માતા-પિતાએ કહ્યું હતુ કે, એવી સિદ્ધિ મેળવજે કે તારા પર પ્રોફેશનને ગર્વ થાય: વી, વી, એસ, લક્ષ્મણે સંભારણા વાગોળ્યા

નવી દિલ્હી :ઓસ્ટ્રેલિયા સામેની ક્લાસિક ઈનિંગ્સને કારણે ભારતીય ક્રિકેટમાં અમર બની ગયેલા લેજન્ડરી બેટ્સમેન વી.વી.એસ. લક્ષ્‍મણે ભૂતકાળના સંભારણા વાગોળતાં કહ્યું હતું કે, જ્યારે હું ૧૭ વર્ષનો થયો ત્યારે મારી સામે કઈ કેરિયર પસંદ કરવી તે પ્રશ્ન આવીને ઊભો રહ્યો. આ તબક્કે મારા માતા-પિતાએ મને સલાહ આપી હતી કે, તું કોઈ પર પ્રોફેશન (વ્યવસાય) પસંદ કર તેનો અમને વાંધો નથી, પણ એક વાત હંમેશા યાદ રાખજે કે તારે, જે તે પ્રોફેશનમાં હોવાનું ગૌરવ નથી લેવાનું પણ તારે એવી સિદ્ધિ મેળવવાની છે કે, આખા પ્રોફેશનને તારા પર ગૌરવ થાય.

  વર્ષ ૨૦૦૧માં કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે ઓસ્ટ્રેલિયા સામે ફોલોઓન થયેલા ભારતને લક્ષ્‍મણની ૨૮૧ રનની ક્લાસિક ઈનિંગે ઐતિહાસિક જીત અપાવી હતી. વેરી વેરી સ્પેશિયલ (વી.વી.એસ.) લક્ષ્‍મણ તરીકેની ઓળખ ધરાવતા વેંગીપુરાપુ વેંકટા સાઈ લક્ષ્‍મણે ગાંધીનગરના કોબા ખાતે સરકારી પ્રાથમિક સ્કૂલમાં સ્માર્ટ ક્લાસરૃમ પ્રોજેક્ટના અનુસંધાનમાં યોજોયલા કાર્યક્રમમાં હાજરી આપી હતી.

   લક્ષ્‍મણે શાળાના બાળકો સાથે વાતચીત કરી હતી. તેની સાથે સાથે તેના અંગત જીવનના કેટલાક સંસ્મરણો પણ વાગોળ્યા હતા. લક્ષ્‍મણે કહ્યું હતું કે, હું ભાગ્યશાળી રહ્યો કે, મને ૧૬ વર્ષ સુધી આંતર રાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી. જોકે નિવૃત્તિ બાદ હું ગરીબ બાળકો માટે કંઈક કરવા ઈચ્છતો હતો અને આવા બાળકોના શિક્ષણ માટે કામ કરવું એ ખરેખર ખુબ જ ગર્વની બાબત છે. ગરીબ બાળકોને ભણતરમાં મદદરૃપ થાય તેવા સ્માર્ટ ક્લાસ સહિતના અન્ય કામમાં મદદ કરવા માટે તૈયાર છું.

(8:30 pm IST)