ખેલ-જગત
News of Tuesday, 12th November 2019

મેચ ફિકસીંગને ગુનો ગણનાર પ્રથમ એશિયાઈ દેશ બનતો શ્રીલંકા

શ્રીલંકા સ્‍પોર્ટસ મિનિસ્‍ટર હરિન ફર્નાન્‍ડોએ સંસદમાં બિલ રજુ કર્યુ, ડ્રાફટ તૈયારઃ ૧૦ વર્ષ સજાની જોગવાઈ

શ્રીલંકા મેચ ફિક્‍સિંગને અપરાધ ગણનાર પ્રથમ એશિયન દેશ બન્‍યો છે. તેના સંસદમાં રમત સંબંધિત અપરાધથી જોડાયેલ એક બિલ પાસ કરવામાં આવ્‍યું છે. આ બિલ પાસ થયા પછી શ્રીલંકામાં મેચ ફિક્‍સિંગને અપરાધ માનવામાં આવશે. મેચ ફિક્‍સિંગ અને ભ્રષ્ટાચારથી જોડાયેલ આ નવો કાયદો દરેક રમત પર લાગુ પડશે.

એક ક્રિકેટ વેબસાઈટ પર આ જાણકારી સામે આવી છે કે, આ કાયદો હેઠળ કોઈ ખેલાડી અપરાધ કરે છે તો તેને ૧૦ વર્ષની સજા ફટકારવામાં આવશે. તે ઉપરાંત તેને ભારી દંડ પણ ભરવો પડશે. માનવામાં આવી રહ્યું છે કે હાલમાં જ ઇન્‍ટરનેશનલ ક્રિકેટ કાઉન્‍સિલના એન્‍ટી કરપ્‍શન યુનિટ દ્વારા શ્રીલંકામાં મેચ ફિક્‍સિંગ અંગે તપાસ કરવામાં આવી હતી. તે તપાસ પછી જ આ બિલ તૈયાર કરવામાં આવ્‍યું હોવાનું કહેવાય છે.

શ્રીલંકાના સ્‍પોર્ટ્‍સ મિનિસ્‍ટર હરિન ફર્નાન્‍ડોએ આ બિલને સંસદમાં રજૂ કર્યું છે, આ બિલને પૂર્વ કપ્તાન અર્જુન રણાતુંગાએ પોતાનું સમર્થન આપ્‍યું છે. અર્જુન હાલની સરકારમાં કેબિનેટ મંત્રી છે. આ બિલ બનાવવા માટે સ્‍પોર્ટ્‍સ મિનિસ્‍ટરે ઇન્‍ટરનેશનલ ક્રિકેટ કાઉન્‍સિલના એન્‍ટી કરપ્‍શન યુનિટ સાથે મળીને કામ કર્યું હતું.

આ કાયદા હેઠળ જે ફિક્‍સિંગમાં શામેલ હશે તેને દંડ ફટકારવામાં આવશે. મેચ ઓફિશિયલ્‍સથી લઈને પિચ ક્‍યુરેટર સુધી તમામ ઉપર આ કાયદો લાગુ પડશે. મતલબ કે જો પિચ ક્‍યુરેટર બુકીઓ પ્રમાણે પિચ તૈયાર કરે તો તેને પણ જેલ જવું પડશે

જો કોઈ ખેલાડી બુકી દ્વારા કરવામાં આવેલા સંપર્કની જાણકારી સંતાડશે તો તેની વિરુદ્ધ પગલાં લેવામાં આવશે. મતલબ કે હવે ક્રિકેટર્સે આ અંગે એન્‍ટી કરપ્‍શન યુનિટ અને બોર્ડ દ્વારા નિયુક્‍ત ઇન્‍વેસ્‍ટિગેશન યુનિટને પણ જાણ કરવી પડશે. હાલમાં જ બાંગ્‍લાદેશના ક્રિકેટર શાકિબ અલ હસનને આઈસીસીએ બે વર્ષની સજા ફટકારી હતી. શાકિબે બુકીઓ દ્વારા કરવામાં આવેલા સંપર્ક અંગે જાણ કરી ન હતી.

(4:45 pm IST)