ખેલ-જગત
News of Tuesday, 12th November 2019

આ એથ્લીટે ૨૨ મહિનામાં વિશ્વના દરેક દેશમાં એક મેરથોન દોડવાનો બનાવ્યો રેકોર્ડ

લંડન,તા.૧૨: બ્રિટનમાં બેન્કર તરીકે જોબ કરતા ૩૦ વર્ષના નિક બલટર નામના એથ્લીટે છેલ્લા બાવીસ મહિનામાં દુનિયાભરમાં દોડ લગાવીને વિશ્વવિક્રમ સરજયો છે. નિકે ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં આ પ્રોજેકટ હાથ ધર્યો અને એ માટે બેન્કની ધીકતી નોકરી છોડી દીધી હતી. એ પછી તેણે પૃથ્વીના સાતેય ખંડોમાં આવેલા તમામ દેશોમાં મેરથોન દોડવાનું બીડું ઝડપ્યું હતું. આ સાત ખંડોમાં સહારાનું ધગધગતું રણ પણ આવી ગયું અને એન્ટાર્કટિકાની બર્ફીલી પહાડીઓ પણ આવી ગઈ. બાવીસ મહિના એટલે કે કુલ ૯૬ વીકમાં તેણે બે કામ કર્યાં. એક નવા દેશમાં જવાનું અને ત્યાં જઈને મેરથોન એટલે કે ૪૨ કિલોમીટરની દોડ લગાવવાની. એક વીકમાં તે લિટરલી ત્રણ દેશોમાં ટ્રાવેલ કરતો અને ત્યાં મેરથોન દોડતો પણ ખરો. આ દરમ્યાન તેણે પહેરેલા ગેજેટ્સના આંકડા મુજબ ૬૭૫ દિવસમાં તેણે ૧૫ લાખ કેલરી બાળી હતી અને ૫૧ લાખ ડગલાં માંડ્યા હતા. છેક છેલ્લી મેરથોન તેણે ગ્રીસના એથેન્સમાં દોડી હતી.

આ સમગ્ર કામ તેણે બ્રિટનના પ્રોસ્ટેસ્ટ કેન્સરના દરદીઓ માટે ભંડોળ એકત્ર કરવા માટે કરી હતી. આ દરમ્યાન તેણે અઢી લાખ પાઉન્ડ એટલે કે લગભગ ૨.૩૦ કરોડ રૂપિયા ભેગા કર્યા છે. વિશ્વના ૧૯૬ દેશોમાં મેરથોન દોડવાનું ભગીરથ કાર્ય જસ્ટ બાવીસ મહિનામાં પૂરું કરવાનો તેણે ગિનેસ વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો છે.

(4:43 pm IST)