ખેલ-જગત
News of Monday, 12th August 2019

હૈદરાબાદ ઓપન બીડબ્લ્યૂએફ ટાઇટલ સૌરભ વર્માએ જીત્યું

નવી દિલ્હી: નેશનલ ચેમ્પિયન સૌરભ વર્માએ રવિવારે હૈદરાબાદ ઓપન બીડબ્લ્યૂએફ ટૂર સુપર ૧૦૦ ટૂર્નામેન્ટ ટાઇટલ જીતી લીધું હતું. મધ્યપ્રદેશના ૨૬ વર્ષના આ બેડમિન્ટન ખેલાડીએ સિંગાપુરના લોહ કીન યિયૂને હરાવીને મેન્સ સિંગલ્સ ટાઇટલ પર કબજો મેળવી લીધો હતો. સૌરભ વર્માએ મે મહિનામાં સ્લોવેનિયન ઇન્ટરનેશનલ જીતી લીધી હતી. આ પહેલાં ગયા વર્ષે સૌરભે ડચ ઓપન સુપર ૧૦૦ અને રશિયા ઓપન સુપર ૧૦૦ ટાઇટલ જીતી લીધાં હતાં. સેમિફાઇનલમાં સૌરભે મલેશિયાના સિકંદર જુલ્કરનૈનને માત્ર ૪૮ મિનિટમાં ૨૩-૨૧, ૨૧-૧૬થી પરાજિત કર્યો હતો. હૈદરાબાદના ગાચીબાઉલી ઇન્ડોર સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલની આશરે બાવન મિનિટ ચાલેલી મેચમાં તેણે વર્લ્ડના ૪૪ ક્રમાંકના ખેલાડી કીન યિયૂને ૨૧-૧૩, ૧૪-૨૧, ૨૧-૧૬થી હરાવ્યો હતો. ફાઇનલમાં પહેલા સેટમાં તેણે સારી શરૂઆત કરી હતી અને ૬-૨થી અને પછી ૧૧-૪થી બઢત કાયમ રાખી હતી. પહેલો સેટ તેણે ૨૧-૧૩થી પોતાના નામે કરી લીધો હતો. બીજા સેટમાં સૌરભે ૫-૦થી બઢત બનાવી હતી પણ કીન યિયૂએ ૧૦-૧૦થી બરાબરી કરી લીધી હતી. એ પછી કીન યિયૂએ ૧૪-૧૩થી બઢત બનાવી હતી. કીન યિયૂએ લગાતાર પાંચ પોઇન્ટ મેળવીને ભારતીય ખેલાડીને આ ગેમમાં વાપસીનો મોકો આપ્યો નહોતો અને ૧૪-૨૧થી જીત મેળવી હતી. બેઉ ખેલાડીઓએ એક-એક ગેમ જીતી લીધી હોવાથી ત્રીજા સેટમાં રસાકસી જોવા મળી હતી. ત્રીજી ગેમમાં સૌરભે બ્રેક સમય સુધીમાં ૧૧-૧૦ની લીડ મેળવી લીધી હતી. બ્રેક બાદ પણ તેણે કીન યિયૂ પર બઢત જાળવી રાખી હતી.

(5:59 pm IST)