ખેલ-જગત
News of Sunday, 12th July 2020

સૌરવ ગાંગુલીની મહેનતનું ફળ એમએસ ધોનીને મળ્યું : ગૌતમ ગંભીર

એમએસ ધોની ઝહીર ખાનના કારણે સફળ ટેસ્ટ કેપ્ટન બન્યો : એમએસ ધોની ભાગ્યશાળી હતો કે તેને ટીમમાં ઝહીર ખાને જેવો બોલર મળ્યો અને તેને બનાવવાનો બધો શ્રેય ગાંગુલી સૌરવને જાય છે

નવી દિલ્હી, તા. ૧૨ :પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરે મોટું નિવેદન આપતા કહ્યું છે કે એમએસ ધોનીને સફળ ટેસ્ટ કેપ્ટન બનાવવામાં પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ગંભીરે ઝહીરને દુનિયાના સર્વશ્રેષ્ઠ બોલરોમાં એક બતાવ્યો છે. ગંભીરે કહ્યું હતું કે ઝહીર ખાનને સૌરવ ગાંગુલીના કારણે સફળતા મળી અને ધોની ઝહીર ખાનના કારણે સફળ ટેસ્ટ કેપ્ટન બન્યો. તેણે ટેસ્ટ ક્રિકેટમાં જે સફળતા મેળવી છે તે ઝહીર ખાન વગર મેળવવી આસાન ન હતી.

પૂર્વ ભારતીય ક્રિકેટર ગંભીરે કહ્યું કે ધોની ભાગ્યશાળી હતો કે તેને ટીમમાં ઝહીર ખાન જેવા બોલર મળ્યો અને ઝહીર ખાનને બનાવવાનો બધો શ્રેય સૌરવ ગાંગુલીને જાય છે. મારા મતે ઝહીર ભારતના સૌથી શાનદાર બોલરોમાંથી એક છે.

ગંભીરે કહ્યું કે ધોની ભાગ્યશાળી છે કારણ કે તેને ત્રણેય ફોર્મેટમાં સારી ટીમ મળી. ૨૦૧૧ વર્લ્ડ કપ જીતનાર ટીમની કેપ્ટનશિપ સંભાળવી ધોની માટે આસાન હતું કારણ કે તે ટીમમાં સચિન તેંડુલકર જેવા અનુભવી ખેલાડી, વીરેન્દ્ર સેહવાગ, યુવરાજ સિંહ, વિરાટ કોહલી જેવા ખેલાડી હતા. ગાંગુલીની કેપ્ટનશિપ પર ગંભીરે કહ્યું હતું કે તેને આ મામલે ઘણી મહેનત કરવી પડી, જેથી ગાંગુલીની સરખામણીમાં ધોની પાસે કેપ્ટનના રૂપમા વધારે ટ્રોફીઓ છે.

ઝહીર ખાન કુલ ૯૨ ટેસ્ટ મેચ રમ્યો છે. જેમાં ૩૩ ટેસ્ટ ધોનીની કેપ્ટનશિપમાં રમ્યો છે. ૩૩ ટેસ્ટમાં ૧૨૩ વિકેટ ઝડપી છે. ઝહીર ખાને ૨૦૦૯માં ટીમ ઇન્ડિયાને આઈસીસી ટેસ્ટ રેક્નિંગમાં નંબર વન પર પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

(7:35 pm IST)