ખેલ-જગત
News of Friday, 12th July 2019

બે પૂર્વ વર્લ્ડ નંબર-૧ ટેનિસ ખેલાડીઓમાં અમેરિકાની સેરેના વિલિયમ્સ અને રોમાનિયાની સિમોના હાલેપ વચ્‍ચે મહિલા સિંગલ્સની ફાઇનલ રમાશે

લંડનઃ બે પૂર્વ વર્લ્ડ નંબર-1 ટેનિસ ખેલાડીઓમાં અમેરિકાની સેરેના વિલિયમ્સ અને રોમાનિયાની સિમોના હાલેપ વચ્ચે વર્ષના ત્રીજી ગ્રાન્ડસ્લેમ ટૂર્નામેન્ટ વિમ્બલ્ડનની મહિલા સિંગલ્સની ફાઇનલ રમાશે. ટાઇટલ મુકાબલો શનિવારે રમાશે. સેરેના વિલિયમ્સે સેમિફાઇનલમાં ચેક ગણરાજ્યની બારબોરા સ્ટ્રાયકોવાને પરાજય આપ્યો તો હાલેપે યૂક્રેનની ઇલિના સ્વિતોલિનાને હરાવી હતી.

સેરેનાએ સ્ટ્રાયકોવાને 6-1, 6-2થી પરાજય આપ્યો હતો. સેરેનાને વિમ્બલ્ડન ફાઇનલમાં પહોંચવા માટે 59 મિનિટનો સમય લીધો હતો. સાથે સેરેના માટે 8મી વખત વિમ્બલ્ડન મહિલા સિંગલ્સનું ટાઇટલ જીતવાની તક છે. સાથે તે ઓલ ટાઇમ સર્વાધિક ગ્રાન્ડસ્લેમ જીતવાના મામલામાં ઓસ્ટ્રેલિયાના માર્ગે્ટ કોર્ટની બરોબરી કરી લેશે, જેના નામે 24 ટાઇટલ છે.

મેચ બાદ સેરેનાએ કહ્યું, હું જે કરુ છું તેને પ્રેમ કરુ છું. હું દરરોજ સવારે ઉઠુ છું અને ફિટ રહેવાનો પ્રયત્ન કરુ છું. ફાઇનલમાં પહોંચવાનો અનુભવ સારો છે. બીજીવાર ફાઇનલમાં આવીને સારૂ લાગ્યું. ચોક્કસપણે સારૂ છે. મને કેટલિક મેચની જરૂર હતી. હું જાણતી હતી કે મારે સુધાર કરવાની જરૂર છે. મારે સારૂ અનુભવવું પડશે અને પછી હું તે કરીશ જે સારૂ કરુ છું, ટેનિસ રમવું.

હાલેપની સાથે રમાનારી ફાઇનલ પર તેણે કહ્યું, અમારી બંન્ને વચ્ચે રોમાંચક મેચ થઈ છે. મારા માટે કાંટાનો મુકાબલો છે અને હું ફાઇનલ માટે તૈયાર છું.

હાલેપ પ્રથમવાર ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી છે. તેના નામે એક ગ્રાન્ડસ્લેમ છે જે તેણે પાછલા વર્ષે ફ્રેન્ચ ઓપનના રૂપમાં જીત્યું હતું.

તો સ્વિતોલિનાનું પ્રથમવાર વિમ્બલ્ડન ફાઇનલ રમવાનું સપનું અધુરૂ રહી ગયું હતું. હાલેપે તેને 6-1, 6-3થી પરાજય આપ્યો હતો. મેચ એક કલાક 13 મિનિટ સુધી ચાલી હતી. સ્વિતોલિના પ્રથમવાર કોઈપણ ગ્રાન્ડસ્લેમની સેમિફાઇનલમાં પહોંચી હતી.

(4:59 pm IST)