ખેલ-જગત
News of Thursday, 12th July 2018

ભારતીય ટીમ માટે વર્લ્ડકપનું રિહર્સલ

ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચોની વન-ડે સિરીઝનો પ્રથમ વન-ડે સાંજે ૫ વાગ્યાથીઃ વિરાટના નેતૃત્વવાળી ટીમ ફેવરીટ : રાહુલને ત્રીજા ક્રમાંકે બેટીંગ માટે મોકલવાની ટીમ મેનેજમેન્ટની રણનીતિ

ટી-૨૦ સીરીઝ જીત્યા બાદ આત્મવિશ્વાસથી છલોછલ ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડ સામે આજથી નોટીંગહેમથી શરૂ થનારી ત્રણ મેચોની વન-ડે સિરીઝની પહેલી મેચમાં પણ વિજયનો ક્રમ જાળવવા માગશે. આ સીરીઝ આવતા વર્ષે યોજાનારા વર્લ્ડકપનું રિહર્સલ ગણવામાં આવે છે. આવતા વર્ષે વર્લ્ડકપ ઈંગ્લેન્ડમાં જ રમાવાનો હોવાથી આ સીરીઝમાં વિરાટ-બ્રિગેડને અહિંની પરિસ્થિતિ સાથે તાલમેલ મેળવવાની સારી તક છે.

આજથી શરૂ થનારી વન-ડે સિરીઝમાં ભારતીય ટીમ - મેનેજમેન્ટને પણ વર્લ્ડકપને જોતા વિવિધ કોમ્બીનેશન અજમાવવાની તક મળશે. લોકેશ રાહુલના સારા ફોર્મને જોતા વિરાટ કોહલી ચોથા ક્રમાંક પર બેટીંગ કરવા આવી શકે છે. રાહુલે આયરલેન્ડ સામે ૭૭૦ અને પહેલી ટી-૨૦માં ઈંગ્લેન્ડ સામે નોટઆઉટ ૧૦૧ રન બનાવ્યા હતા. શિખર ધવન અને રોહિત શર્મા ઈનિંગ્સની શરૂઆત કરશે તો રાહુલ ત્રીજા ક્રમાંક પર બેટીંગ કરવા ઉતરશે. જો આ ક્રમ રહેશે તો કોહલીને ચોથા ક્રમાંક પર રમવું પડશે. ત્યારબાદ સુરેશ રૈના, મહેન્દ્રસિંહ ધોની અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઉતરશે.

સંભવિત ટીમો

ભારત : વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, રોહિત શર્મા, લોકેશ રાહુલ, મહેન્દ્રસિંહ ધોની (વિકેટકીપર), દિનેશ કાર્તિક, સુરેશ રૈના, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, શ્રેયસ એયર, સિદ્ધાર્થ કોલ, અક્ષર પટેલ, ઉમેશ યાદવ, શાર્દુલ ઠાકુર, ભુવનેશ્વર કુમાર.

ઈંગ્લેન્ડ : ઓઈન મોર્ગન, જેસન રોય, જોની બેરસ્ટો, જોસ બટલર (વિકેટકીપર), મોઈન અલી, જો રૂટ, જેક બોલ, ટોમ કરેન, એલેકસ હેલ્સ, લિઆમ પ્લન્કેટ, બેન સ્ટોકસ, આદિલ રશીદ, ડેવિડ વિલી, માર્ક વૂડ.(૩૭.૧)

(2:34 pm IST)