ખેલ-જગત
News of Wednesday, 12th May 2021

ઇંગ્લેન્ડના પ્રવાસ પર જતા ખેલાડીઓનો ઘરમાં જ કરાશે કોરોના ટેસ્ટ : બીસીસીઆઇનો મોટો નિર્ણય

લાડીઓ ઉપરાંત તેમના પરિવારનાં સભ્યોનો પણ આરટી-પીસીઆર ટેસ્ટ કરવામા આવશે

ઈંગ્લેન્ડ ટૂર પર જતા તમામ ખેલાડીઓ અને સભ્યો માટે ઘરે જ કોવિડ-19 આરટી-પીસીઆર ટેસ્ટ કરશે. બીસીસીઆઈનાં મેનેજર આ ટેસ્ટ તમામ ખેલાડીઓનાં ઘરે કરાવશે. ખેલાડીઓ ઉપરાંત તેમના પરિવારનાં સભ્યોનો પણ આરટી-પીસીઆર ટેસ્ટ કરવામા આવશે.

  આ ટેસ્ટ આગામી કેટલાક દિવસોમાં કરવામા આવે તેવી સંભાવના છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ 18 થી 22 જૂન દરમિયાન ઈંગ્લેન્ડનાં સાઉથૈમ્પ્ટનમાં યોજાવાની છે. આ પછી ભારત ઈંગ્લેન્ડ સામે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં પાંચ ટેસ્ટ મેચની શ્રેણી પણ રમશે. એક અહેવાલ મુજબ, બીસીસીઆઈ હજી પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ દ્વારા યુકે સરકારનાં આરોગ્ય મંત્રાલયની સલાહની રાહ જોઈ રહ્યું છે. આ સાથે, બોર્ડે નિર્ણય લીધો છે કે તે 14 દિવસ સુધી ખેલાડીઓની ક્વોરેન્ટીન કરશે. આ ક્વોરેન્ટીન મુંબઈમાં હશે.

 આ સમયગાળા દરમિયાન, સ્થાનિક પ્લેયર્સને એક અઠવાડિયાની ક્વોરેન્ટીનથી મુક્તિ મળશે. પરંતુ આ સમય દરમિયાન તેઓ ઘરની બહાર જઇ શકશે નહીં. આ ક્વોરેન્ટીન 18 થી 19 મેની આસપાસ શરૂ થશે, જેથી સમયગાળો ઈંગ્લેંડ જતા પહેલા પૂર્ણ થાય. જણાવી દઇએ કે, 2 જૂને ભારતીય ટીમ ઈંગ્લેન્ડ જવા રવાના થશે.

ઇંગ્લેન્ડ પ્રવાસ પર જતા ખેલાડીઓ અને તેના સભ્યો માટેનાં ક્વોરેન્ટીન સમયગાળા પહેલા ત્રણ આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવશે. આ પછી, તેઓ આઈસોલેશનમાં આવ્યા પછી તેમનો સતત ટેસ્ટ કરવામાં આવશે. આઈપીએલ 2021 દરમિયાન બાયો બબલ હોવા છતાં કોરોનાનાં કેસ બહાર આવ્યા બાદ બીસીસીઆઈએ આઈસોલેશનનો નિયમ કડક બનાવ્યો છે. ઇંગ્લેન્ડની મુલાકાતે જઇ રહેલા 90 ટકા ખેલાડીઓએ કોરાનાની રસીનો પ્રથમ ડોઝ લઇ લીધો છે. બીજો ડોઝ બ્રિટનમાં લેવામાં આવશે.

(11:45 am IST)