બીજી ટેસ્ટ મેચમાં શ્રીલંકાએ 215 રને બાંગ્લાદેશને આપી માત
નવી દિલ્હી: ટેસ્ટ મેચમાં ડેબ્યુ કરી રહેલ ઓફ સ્પિનર અકિલ ધનાંજયે પાંચ વિકેટ ઝડપીને તરખાટ મચાવતા શ્રીલંકાએ બીજી ટેસ્ટમાં બાંગ્લાદેશને ૨૧૫ રને પરાજય આપ્યો છે. આ સાથે જ શ્રીલંકાએ ૧-૦થી શ્રેણી પોતાને નામે કરી લીધી છે. મેચના ત્રીજા દિવસે શ્રીલંકાએ બાંગ્લાદેશને જીત માટે ૩૩૯ રનનુ લક્ષ્યાંક આપ્યુ હતું. જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમ ૨૯.૩ ઓવરમાં ૧૨૩ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.
બાંગ્લાદેશ તરફથી મોમીનુલ હકે ૩૩ અને મુસફીકુર રહીમે ૨૫ રનની ઈનિંગ રમી હતી. જોકે, તે સિવાયના બેટ્સમેનો શ્રીલંકાના સ્પિનરોનો સામનો કરી શક્યા નહતા. અકિલા ધનાંજયે બીજી ઈનિંગમાં ૨૪ રન આપીને ૫ વિકેટ ઝડપી હતી. મેચમાં કુલ તેણે આઠ વિકેટ લીધી છે. જ્યારે અનુભવી રંગના હેરાર્થે ૪૯ રન આપી ચાર વિકેટ ઝડપી હતી.
શ્રીલંકાએ બાંગ્લાદેશને પ્રથમ ઈનિંગમાં ૧૧૦ રન પર ઓલઆઉટ કર્યુ હતું. જેના આધારે પ્રથમ ઈનિંગમાં શ્રીલંકાને ૧૧૨ રનની સરસાઈ મળી હતી. મેચના ત્રીજા દિવસની શરૃઆત શ્રીલંકાએ ૮ વિકેટે ૨૦૦ રનથી કરી હતી. જોકે, શ્રીલંકાની ટીમ ૨૨૬ રન પર ઓલઆઉટ થઈ હતી. મેન ઓફ ધ મેચ રોશન સિલ્વા ૭૦ રને અણનમ રહ્યો હતો, જેણે મુશ્કેલ પરિસ્થિતિમાં લકમલ સાથે ૪૮ રનની ભાગીદારી નોંધાવી હતી.