ખેલ-જગત
News of Friday, 12th January 2018

માર્ચમાં ન્યુઝીલેન્ડ પ્રવાસ માટે ઇંગ્લેન્ડની ટીમ જાહેર

નવી દિલ્હી:માર્ચ મહિનામાં યોજાનારા ન્યુઝીલેન્ડ પ્રવાસ માટે ઈંગ્લેન્ડે ટેસ્ટ ટીમની જાહેરાત કરી દીધી છે, જેમાં બલાન્સ અને ટોમ કરનને સ્થાન મળ્યું નથી. જ્યારે એશિઝ પ્રવાસમાં ફ્લોપ સાબિત થયેલા સ્ટોનમેન અને વિન્સે ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમમાં ટકી રહેવામાં સફળ રહ્યા છે. ઈંગ્લેન્ડ અને યજમાન ન્યુઝીલેન્ડ વચ્ચે બે ટેસ્ટની શ્રેણી તારીખ ૨૨ માર્ચથી ઓકલેન્ડમાં શરૃ થશે. જે પછી તારીખ ૩૦ માર્ચથી ક્રાઈસ્ટચર્ચમાં બીજી ટેસ્ટ રમાશે. ઈંગ્લેન્ડ તરફથી બે ટ્વેન્ટી-૨૦ રમી ચૂકેલા યુવા બેટ્સમન લીએમ લિવિંગસ્ટોનને પહેલી વખત ટેસ્ટ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડના પસંદગીકારોએ એશિઝની ટીમમાં ધરખમ ફેરફારો કરવાનું ટાળ્યું હતુ. એશિઝ ટીમમાં સામેલ ૧૩ ખેલાડીઓને ન્યુઝીલેન્ડ પ્રવાસે લઈ જવાનું ઈંગ્લેન્ડે નક્કી કર્યું છે. સ્ટોક્સની સામે આરોપ ઘડવામાં આવશે કે નહિ તે અંગે ટૂંક સમયમાં સ્પષ્ટતા થાય તેમ છે. તે મામલાને ધ્યાનમાં રાખીને સ્ટોક્સનો ટીમમાં શરતી સમાવેશ કરવામાં આવ્યો છે. સ્ટોક્સે સપ્ટેમ્બરમાં બ્રિસ્ટલ નાઈટ કલબની બહાર મારામારી કરી હતી અને આ મામલે સ્ટોક્સના મુક્કાનો શિકાર બનેલા વ્યક્તિને ગંભીર ઈજા થઈ હતી. ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમ : રૃટ (કેપ્ટન), મોઈન અલી, એન્ડરસન, બારીસ્ટો, બ્રોડ, કૂક, ક્રેન, ફોકેસ, લિવિંગસ્ટોન, મલાન, ઓવરટન, સ્ટોક્સ, સ્ટોનમેન, વિન્સ, વોક્સ, વૂડ.

(4:33 pm IST)