ખેલ-જગત
News of Saturday, 11th August 2018

એશિયન ગેમ્સમાં ભારતના 572 ખેલાડીનો સુવર્ણ પદક જીતવા માટે રમશે

નવી દિલ્હી: ઈન્ડોનેશિયાના જકાર્તા અને પાલેમ્બાગ ખાતે ૧૮મી ઓગસ્ટથી શરૃ થઈ રહેલી એશિયન ગેમ્સમાં ભારતના કુલ ૫૭૨ ખેલાડીઓ ગોલ્ડ મેડલ જીતવા માટે કુલ ૩૬ રમતોમાં ભાગ લેશે. ભારતીય ખેલ મંત્રાલયે એશિયન ગેમ્સ માટેની ભારતીય ટીમના ખેલાડીઓએ ગોલ્ડ મેડલ જીતવાના જુસ્સા સાથે વિદાય આપી હતી. એશિયાડમાં કુલ ૪૦ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાંથી ૩૬માં ભારતના ખેલાડીઓ ભાગ લેશે. નોંધપાત્ર છે કે, ચાર વર્ષ પહેલા સાઉથ કોરિયાના ઈન્ચેઓન ખાતે યોજાયેલી એશિયન ગેમ્સમાં ભારતે ૧૧ ગોલ્ડ, ૧૦ સિલ્વર અને ૩૬ બ્રોન્ઝ એમ કુલ ૫૭ મેડલ્સ જીત્યા હતા. ભારતે વર્ષ ૨૦૧૪માં રમાયેલી એશિયન ગેમ્સમાં ૫૧૫ ખેલાડીઓની ટીમ મોકલી હતી. ભારત ૫૭૨ ખેલાડીઓની સાથે સાથે ૨૦૦થી વધુ ઓફિસિઅલ્સને પણ એશિયાડમાં મોકલશે. જેના કારણે એશિયન ગેમ્સમાં ભારતના કુલ ૮૦૦થી વધુ સભ્યો હશે. ભારતને આ વખતે એથ્લેટિક્સ, કબડ્ડી, હોકી, કુસ્તી, તીરંદાજી, ટેબલ ટેનિસ જેવી રમતોમાં મેડલ્સની આશા છે. ભારતે આ વખતે બેડમિંટનમાં પણ મજબુત ટીમને સ્પર્ધામાં ઉતારી છે અને બેડમિંટનમાં દેશને ઐતિહાસિક મેડલ્સની અપેક્ષા છે. છેલ્લા કેટલાક વર્ષોથી આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સમાં ખેલાડીઓની સાથે જતાં સપોર્ટ સ્ટાફની સાથે સાથે ઓફિસિઅલ્સની સંખ્યામાં પણ કાપ મૂકવામાં આવ્યો છે.

(5:06 pm IST)