ખેલ-જગત
News of Monday, 30th July 2018

સ્વપ્નીલ મહેતા સતત ચોથી વખત ટેબલ ટેનીસમાં યુનિવર્સિટી ચેમ્પીયન

રેલ્વે મઝદુર સંઘના હિરેન મહેતાના પુત્રએ ટેબલ ટેનીસમાં પરીવારનો વારસો જાળવ્યો છે

રાજકોટ, તા., ૩૦: જામનગર એસવીઇટી કોલેજ ખાતે યોજાયેલી આંતર કોલેજ ભાઇઓની ટેબલ ટેનીસની સ્પર્ધામાં રાજકોટની ગીતાંજલી કોલેજમાં અભ્યાસ કરતા સ્વપ્નીલ મહેતા સતત ચોથી વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ચેમ્પીયન બન્યો છે. ભાઇઓની ટી.ટી.  સ્પર્ધામાં જુદી જુદી કોલેજના ર૭ ખેલાડીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધાના ફાઇનલમાં ગીતાંજલી કોલેજના સ્વપ્નીલ મહેતા અને રાજકોટની જ જસાણી કોલેજના જીત ચોલેરા વચ્ચે મેચ રમાયો હતો.

આ સ્પર્ધામાં સ્વપ્નીલે જીતને ૧૧-૭, ૧ર-૧૦, ૧૧-૩ પરાજય આપ્યો હતો. સ્પર્ધાના અંતે પ્રથમ પાંચ વિજેતા ખેલાડી રાજકોટની કોલેજના છે. જેમાં સ્વપ્નીલ, જીત, માહીમ સિંધી, પ્રણવ નથવાણી અને દીપ ટાંકનો સમાવેશ થાય છે. ગીતાંજલી કોલેજના સ્વપ્નીલ  અને પ્રણવની વેસ્ટ ઝોન સ્પર્ધામાં સમાવેશ  થતા કોલેજ સંચાલક અને મનીષ દવેએ શુભેચ્છા પાઠવી છે.

ઉલ્લેખનીય છે કે સ્વપ્નીલના પિતા હિરેન મહેતા (રે.મ.સંઘ) અને મોટાબાપુ મનિષ મહેતા પણ ટી.ટી.ના સારા પ્લેયર હતા.

(3:54 pm IST)