ખેલ-જગત
News of Thursday, 11th July 2019

ધોનીને ૭ માં ક્રમે મોકલવાની બાબત સૌથી મોટી ભુલ રહી

તમામ મોટા પૂર્વ ક્રિકેટરોએ અભિપ્રાય આપ્યો : ધોનીને યોગ્ય ક્રમ પર ન મોકલી મોટી ભુલ થઇ : ગાંગુલી

માનચેસ્ટર,તા. ૧૧: આઇસીસી વર્લ્ડ  કપની મેચમાં ન્યુઝીલેન્ડ સામે ભારતની હાર થયા તમામ ચાહકો અને પૂર્વ ક્રિકેટરો પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. ચાહકોની સાથે સાથે પૂર્વ ક્રિકેટરો પણ પ્રશ્ન ઉઠાવે છે. જેમાં ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણનો પણ સમાવેશ થાય છે. આ તમામ ક્રિકેટરોએ ન્યુઝીલેન્ડની સામે મેચમાં સાતમાં નંબર પર ધોનીને મોકલવાને લઇને પ્રશ્નો ઉઠાવ્યા છે. આ એક વ્યુહાત્મક મોટી ભુલ હતી. હકીકતમાં હાર્દિક પડ્યા અને દિનેશ કાર્તિકને ધોની પહેલા મોકલી દેવામાં આવ્યા હતા. લક્ષ્મણે કહ્યુ હતુ કે ધોનીને પંડ્યા પહેલા મોકલી દેવાની જરૂર હતી. આ એક વ્યુહાત્મક ભુલ હતી. વર્ષ ૨૦૧૧માં પણ ધોની યુવરાજ કરતા ઉપરના ક્રમમાં બેટિંગ કરવા માટે આવ્યો હતો. ગાંગુલીએ સત્તાવાર નિવેદન જારી કરીને કહ્યુ છે કે જ્યારે વિકેટો પડી રહી હતી ત્યારે ધોનીને મેદાનમાં મોકલી દેવાની જરૂર હતી. મહાન ખેલાડી સચિન તેન્ડુલકરે પણ કબુલાત કરી છે કે કોહલીએ ધોનીને ઉપરના ક્રમમાં ન ઉતારીને મોટી ભુલ કરી છે. સચિને કહ્યુ છે કે અનુભવી બેટ્સમેનને એ વખતે મેદાનમાં ઉતારી દેવાની જરૂર હતી. પંત અને હાર્દિક પંડયાને સાવચેતીપૂર્વક બેટિંગ કરવાની જરૂર હતી. આ બંને ખેલાડીઓએ પણ વિકેટ પડી રહી હતી ત્યારે ઉતાવળમાં બેટિંગ કરવાના પ્રયાસ કર્યા હતા. સચિન તેન્ડુલકરે કહ્યુ છે કે અન્ય તમામ બેટ્સમેનો પર પણ દબાણ રહે તે જરૂરી છે.

 ધોની, વિરાટ કોહલી અને રોહિત શર્માનો સચિને બચાવ કર્યો હતો અને કહ્યુ હતુ કે મેચ ફિનિશ માટે દબાણ આ ત્રણેય પર જ કેમ છે. ભારતની આશ્ચર્યજનકરીતે ન્યુઝીલેન્ડ સામે ૧૮ રને હાર થઇ હતી. જીતવા માટેના ૨૪૦ રનના લક્ષ્યાંકનો પીછો કરતા  રિઝર્વ ડેના દિવસે ભારતીય ટીમ ૪૯.૩ ઓવરમાં ૨૨૧ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. ટીમ ઇન્ડિયાની કારમી હાર થયા બાદ જોરદાર પ્રશ્નો ઉપસ્થિત થઇ રહ્યા છે.

(3:26 pm IST)