ખેલ-જગત
News of Tuesday, 11th May 2021

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ દ્વારા એપ્રિલ મહિનાના સર્વશ્રેષ્ઠ ખેલાડીની જાહેરાતઃ પુરૂષમાં બાબર આઝમ અને મહિલામાં એલીસા હીલીની પસંદગી

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે એપ્રિલ મહિનાના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓની જાહેરાત કરી છે. પુરૂષ ક્રિકેટરમાં બાબર આઝમ અને મહિલા ક્રિકેટમાં એલીસા હીલીની પંસદગી કરવામાં આવી છે.

બાબર આઝમે હાલમાં વનડે ક્રિકેટમાં વિરાટ કોહલીને પાછળ છોડતા નંબર-1નું સ્થાન હાસિલ કર્યુ હતું. તો બાબરે ઝિમ્બાબ્વે વિરુદ્ધ રમતા ટી20 ક્રિકેટમાં સૌથી ઝડપી બે હજાર રન પૂરા કરવાની સિદ્ધિ મેળવી હતી. પાકિસ્તાનના કેપ્ટને એપ્રિલ મહિનામાં ત્રણ વનડે મેચમાં 76ની એવરેજથી 228 રન બનાવ્યા, જ્યારે સાત ટી20 મેચમાં 305 રન ફટકાર્યા હતા. પાકિસ્તાને ઝિમ્બાબ્વેને ટી20 સિરીઝમાં 2-1થી પરાજય આપ્યો હતો. પહેલા ટીમે સાઉથ આફ્રિકાની ધરતી પર પણ વનડે અને ટી20 સિરીઝ જીતી હતી.

મહિલાઓમાં ઓસ્ટ્રેલિયાની ઓપનર એલીસા હીલીને એપ્રિલ મહિનાની બેસ્ટ ખેલાડી પસંદ કરવામાં આવી છે. પ્રથમવાર છે જ્યારે આઈસીસી મહિનાના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓની પસંદગી કરી રહી છે. મહત્વનું છે કે એલીસા હીલીએ ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી વનડે સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

(4:12 pm IST)