ખેલ-જગત
News of Saturday, 11th May 2019

'સ્વિસ એક્સપ્રેસ'ની 1200મી જીત....

નવી દિલ્હી: ‘ફેડ-એક્સ’ તથા ‘સ્વિસ એક્સપ્રેસ’ના નામે જાણીતા સ્વિર્ટ્ઝલેન્ડના રોજર ફેડરરે મેડ્રિડ ઓપન એટીપી ટેનિસ ટૂર્નામેન્ટમાં ફ્રાન્સના ગેલ મોનફિલ્સને હરાવીને કારકિર્દીમાં ૧,૨૦૦મો વિજય મેળવ્યો હતો. ફેડરરે આ મુકાબલો ત્રીજા સેટમાં સંઘર્ષ કર્યા બાદ ૬-૦, ૪-૬, ૭-૬ (૭-૩)થી જીત્યો હતો. ફેડરરના આ વિજય સાથે ટેનિસ દિગ્ગજ જિમી કોનર્સનો રેકોર્ડ તૂટવાના આરે આવી ગયો છે. ઓપન એરામાં (૧૯૬૮થી અત્યાર સુધી) અમેરિકન ખેલાડી કોનર્સે ૧૦૯ સિંગલ્સના ટાઇટલ જીત્યા છે જે ફેડરર કરતાં માત્ર આઠ વધારે છે. પ્રોફેશનલ ટેનિસમાં સર્વાધિક વિજય મેળવનાર ખેલાડીઓની યાદીમાં ફેડરર બીજા ક્રમે છે. કોનર્સે કારકિર્દીમાં ૧,૨૭૪ વિજય મેળવ્યા છે. આમ અમેરિકન ખેલાડીનો રેકોર્ડ તોડવા માટે ફેડરરને વધુ ૭૪ સિંગલ્સ વિજયની જરૂર છે. કોનર્સે તેનો છેલ્લો મુકાબલો ૧૯૯૫માં હાલે ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં જર્મન ખેલાડી ર્માિટન સિનર સામે ૭-૬ (૯), ૬-૦થી જીત્યો હતો. ૨૦૦૦થી ફેડરર સતત ટેનિસ રમી રહ્યો છે અને આંકડાને જોતાં ફેડરરે પોતાની અડધી જિંદગી પ્રોફેશનલ ટેનિસ પ્લેયર તરીકે ગાળી છે. કોનર્સ ૪૪ વર્ષની વય સુધી રમ્યો હતો. ફેડરર આઠમી ઓગસ્ટે ૩૮મો જન્મદિવસ મનાવશે.

(5:47 pm IST)