ખેલ-જગત
News of Saturday, 11th May 2019

ઈગોર સ્ટીમાચ ભારતીય ફૂટબોલ ટીમના કોચ બનશે

નવી દિલ્હી:  ક્રોએશિયાના ભૂતપૂર્વ વર્લ્ડકપ પ્લેયર અને રાષ્ટ્રીય ટીમના કોચ ઈગોર સ્ટીમાચ ભારતીય ફૂટબોલ ટીમના કોચ બનશે તે નક્કી થઈ ગયું છે. ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (એઆઇએફએફ) ની ટેક્નિકલ કમિટિએ ભારતીય ફૂટબોલ ટીમના કોચ તરીકે ઈગોરના નામની ભલામણ કરી છે.હવે એઆઇએફએફ આવતીકાલે સ્ટીમાચને ભારતીય મેન્સ ફૂટબોલ ટીમના કોચ તરીકે સત્તાવાર રીતે જાહેર કરે તેવી શક્યતા છે. ૫૧ વર્ષના ઈગોર સ્ટીમાચની સાથે સાઉથ કોરિયાના લી મિંગ-સુંગ અને સ્પેનિશ કોચ એલ્બર્ટ રોકા તેમજ સ્વિડનના હાકાન એરિક્સન પણ રેસમાં હતા. ભારતીય ફૂટબોલની ટેક્નિકલ કમિટિએ તમામની રૃબરૃ મુલાકાત લીધી હતી અને તેમની સાથેની ચર્ચા-વિચારણાબાદ આખરે સ્ટીમાચ પર પસંદગી ઉતારી હતી.હવે સ્ટીમાચનું સૌપ્રથમ મિશન થાઈલેન્ડના બુરિરામમાં રમાનાર કિંગ્સ કપ હશે, જેમાં ભારત કેરિબિયન દેશ કુરાકાઓ સામે ટકરાવાનું છે. આ માટે ભારતની ટીમનો રાષ્ટ્રીય કેમ્પ તારીખ ૨૦મી મે થી શરૃ થશે.તમામ ઉમેદવારોની રૃબરૃ મુલાકાત બાદ એઆઇએફએફની ટેક્નિકલ કમિટિની મિટિંગ ચાર કલાક સુધી ચાલી હતી અને ત્યાર બાદ સ્ટીમાચના નામ પર પસંદગીનો કશળ ઢોળવામાં આવ્યો હતો.અગાઉ ભારતીય ફૂટબોલ ટીમના કોચ તરીકે સ્ટીફન કોન્સ્ટાન્ટિને જાન્યુઆરીમાં રાજીનામું આપી દીધું હતુ. ભારત એશિયન કપના નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશવાથી થોડા માટે ચૂકી જતા કોન્સ્ટાન્ટિને તેમના ચાર વર્ષના કાર્યકાળનો અંત આણવાનું નક્કી કર્યું હતુ.

(5:46 pm IST)