ખેલ-જગત
News of Tuesday, 10th September 2019

શ્રીલંકાના 10 ખેલાડીઓએ પાકિસ્તાન પ્રવાસનો બોયકોટ કર્યો

શ્રીલંકન ટીમના 10 ખેલાડીઓએ સુરક્ષાના કારણોસર પાકિસ્તાન જવાનો નન્નો ભણી દીધો

પાકિસ્તાનમાં ઇન્ટરનેશનલ ક્રિકેટની વાપસી માટેના અભિયાનમાં જોતરાયેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રયાસોને એક મોટો ફટકો પડ્યો છે. શ્રીલંકન ક્રિકેટ બોર્ડ દ્વારા પાકિસ્તાનમાં જઇને સિરીઝ રમવા માટે તૈયારી બતાવ્યા પછી શ્રીલંકન ટીમના 10 ખેલાડીઓએ સુરક્ષાના કારણોસર પાકિસ્તાન જવાનો નન્નો ભણી દીધો છે.

  પાકિસ્તાન પ્રવાસે જવા માટે ના પાડનારાઓમાં ટી-20 ટીમનો કેપ્ટન લસિથ મલિંગા અને એન્જેલો મેથ્યુઝ જેવા મોટા નામ પણ સામેલ છે. જો કે શ્રીલંકન ક્રિકેટ બોર્ડ દ્વારા હજુ આ પ્રવાસ સ્થગિત કરવા અંગે કોઇ નિર્ણય લેવાયો નથી.

  શ્રીલંકન બોર્ડના અધિકારીઓએ માહિતી આપતા કહ્યું હતું કે શરૂઆતમાં ટીમમાં સામેલ ખેલાડીઓને 27 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહેલી 6 મર્યાદિત ઓવરોની મેચની સિરીઝ અંગે સુરક્ષાની માહિતી આપવામાં આવી હતી પણ 10 ખેલાડીઓએ આ પ્રવાસમાંથી હટવાનો નિર્ણય કર્યો છે.

શ્રીલંકન ટીમના જે 10 ખેલાડીઓએ પાકિસ્તાનના પ્રવાસે જવાનો ઇન્કાર કર્યો છે જેમાં લસિથ મલિંગા, એન્જેલો મેથ્યુઝ, નિરોશન ડિકવેલા, કુસલ પરેરા, ધનંજય ડિ સિલ્વા, તિસારા પરેરા, અકીલા ધનંજય, સુરંગા લકમલ, દિનેશ ચંદીમલ અને દિમૂથ કરુણારત્નેનો સમાવેશ થાય છે.

(2:06 pm IST)