ખેલ-જગત
News of Tuesday, 10th September 2019

વેસ્ટ ઇન્ડિઝની ક્રિકેટમાં ધરખમ ફેરફાર : કિરોન પોલાર્ડને બનાવાયો વન-ડે અને ટી-20નો કેપ્ટન

સીડબલ્યુઆઇના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા નિર્ણય લેવાયો

વર્લ્ડકપ 2019 પછી ભારતીય ટીમ સામે ઘરઆંગણે રમાયેલી સિરીઝમાં મળેલા પરાજયને પગલે ક્રિકેટ વેસ્ટઇન્ડિઝ (સીડબલ્યુઆઇ)એ વન-ડે કેપ્ટન જેસન હોલ્ડર અને ટી-20 કેપ્ટન કાર્લોસ બ્રેથવેટને હટાવી દઇને તેના સ્થાને કિરોન પોલાર્ડને બંને ફોર્મેટમાં કેપ્ટન બનાવવાનો નિર્ણય કર્યો છે. સ્થાનિક અખબારના એક અહેવાલ અનુસાર સીડબલ્યુઆઇના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે આ નિર્ણય લીધો હતો.

  અહેવાલ અનુસાર પસંદગી સમિતિએ પોલાર્ડનું નામ રજૂ કર્યું હતું અને જ્યારે વોટિંગ કરવાનો વારો આવ્યો ત્યારે 6 ડિરેક્ટરોએ પોલાર્ડની તરફેણ કરી હતી અને બાકીના છ ડિરેક્ટરોએ વોટિંગ જ કર્યું નહોતું.

  અત્રે ઉલ્લેખનીય છે કે પોલાર્ડે વેસ્ટઇન્ડિઝ વતી પોતાની અંતિમ વન-ડે 2016માં રમી હતી. ઇંગ્લેન્ડમાં રમાયેલા વર્લ્ડકપ 2019માં તેને વેસ્ટઇન્ડિઝના રિઝર્વ ખેલાડીમાં સામેલ કરાયો હતો. હાલમાં ભારત સામે રમાયેલી ટી-20 સિરીઝમાં તે ટીમમાંથી રમ્યો હતો. વેસ્ટઇન્ડિઝે હવે પોતાની આગામી સિરીઝ અફઘાનિસ્તાન સામે નવેમ્બરમાં રમવાની છે. બંને ટીમ વચ્ચે 3 ટી-20, 3 વન-ડે અને એક ટેસ્ટ રમાશે.

(2:00 pm IST)