ખેલ-જગત
News of Monday, 10th August 2020

ભારતીય હોકી ટીમનો ખેલાડી મનદીપ સિંઘ કોરોના પોઝિટિવ

કોરોનામાં સ્પોર્ટસની શરૂ થતી ગતિવિધિને આંચકો : બેંગલોર ખાતેના નેશનલ કેમ્પમાં છ ખેલાડી કોરોનાગ્રસ્ત

બેંગલોર, તા. ૧૦ : ભારતીય હોકી ટીમ બેંગલોર ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (સાઇ)ના કોમ્પલેક્સ ખાતે ટ્રેનિંગ માટે પહોંચી ત્યાર બાદ લગભગ દરરોજ કોરોનાનો એક કેસ આવી રહ્યો છે. અગાઉ પાંચ ખેલાડીના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ હવે ટીમના ફોરવર્ડ અને એકદમ મહત્વપૂર્ણ ખેલાડી મનદીપસિંઘનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ ટીમમાં હવે ખેલાડી કોરોનાગ્રસ્ત બની ગયા છે.

સોમવારે માહિતી આપતાં સાઇ સેન્ટરે ખુલાસો કર્યો હતો કે જલંધરના ૨૫ વર્ષના ખેલાડીમાં કોરોનાના કોઈ લક્ષણ દેખાતા હતા પરંતુ અન્ય પાંચ ખેલાડીની સાથે ડૉક્ટર તેની પણ સારવાર કરી રહ્યા છે. ૨૦મી ઓગસ્ટથી ભારતીય હોકી ટીમના કેમ્પનો પ્રારંભ થનારો છે.

સાઇએ જણાવ્યું હતું કે ભારતીય ટીમના તમામ ખેલાડીનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાં મનદીપ પણ સામેલ હતો અને તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અગાઉ ટીમના સુકાની મનપ્રીત તથા અન્ય ચાર ખેલાડી એક મહિનાના વિરામ બાદ બેંગલોર પહોંચ્યા ત્યારે તેમના આરટી પીસીઆર ટેસ્ટ કરાવાયા હતા અને તેમના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. જેમાં સુરેન્દ્ર કુમાર, જશકરણસિંઘ, વરુણ કુમાર અને કૃષ્ણા બહાદૂર પાઠકનો સમાવેશ થતો હતો. તમામ ખેલાડીને હાલમાં બેંગલોરના નેશનલસેન્ટર ઓફ એક્સલેન્સમાં આઇસોલેટ કરાયા છે.

(9:41 pm IST)