ખેલ-જગત
News of Wednesday, 10th February 2021

સચિન તેંડુલકર -વીરેન્દ્ર સહેવાગ ક્રિકેટના મેદાન ઉપર ફરી સાથે જોવા મળશે

અનએકેડમી રોડ સેફ્ટી વર્લ્ડ સિરિઝમાં રમશે : બે માર્ચથી ૨૧ માર્ચ દરમિયાન યોજાનારી શ્રેણીમાં બ્રેટ લી, લારા, તિલકરત્ને અને જોન્ટી રોડ્સ પણ ભાગ લેશે

નવી દિલ્હી, તા. ૧૦ : ભારતના દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સહેવાગ એક વખત ફરી ક્રિકેટના મેદાન પર એક સાથે જોવા મળશે. આ બન્નેની જોડી તોફાની બેટિંગ માટે ઓળખાય છે. આવામાં પ્રશંસકો તેમને અનએકેડમી રોડ સેફ્ટી વર્લ્ડ સીરિઝમાં ફરીથી ઓપનિંગ કરતાં જોઇ શકશે.

આ સીરિઝની શરૂઆત ૨ માર્ચથી થશે અને તે ૨૧ માર્ચ સુધી ચાલશે. રોડ સેફ્ટી જાગૃતતા સાથે જોડાયેલી આ ટૂર્નામેન્ટમાં બ્રેટ લી, બ્રેન લારા, તિલકરત્ને દિલશાન અને જોન્ટી રોડ્સ જેવા દિગ્ગજ ભાગ લેશે. આ ટૂર્નામેન્ટનું આયોજન ગયા વર્ષે પણ કરવામાં આવ્યું હતું, પરંતુ કોરોના વાયરસને લીધે ચાર મેચો બાદ જ તેને રદ કરવું પડ્યું. આ વખતે આ ટૂર્નામેન્ટનું આયોજન એવા રાજ્યમાં કરવામાં આવી રહ્યું છે, જ્યાં મહામારીની અસર ઓછી રહી હોય. રોડ સેફ્ટી સીરિઝ આ વર્ષે છત્તીસગઢના રાયપુરમાં શહીદ વીર નારાયણ સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

આ સીરિઝના આયોજકોનું કહેવું છે કે, સચિન તેંડુલકર, વીરેન્દ્ર સહેવાગ, બ્રેટ લી, તિલકરત્ને દિલશાન, મુથૈયા મુરલીધરન સાથે ક્રિકેટ રમતાં પાંચ દેશોના કેટલાક અને પૂર્વ દિગ્ગજ આ ટૂર્નામેન્ટમાં રમતાં જોવા મળશે. આમાં ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, વેસ્ટઇન્ડીઝ અને ભારતના કેટલાક પૂર્વ ક્રિકેટર ભાગ લેશે. આનું આયોજન દેશમાં માર્ગ સુરક્ષાની જાગૃતતા માટે કરવામાં આવી રહ્યું છે.

(7:30 pm IST)