ખેલ-જગત
News of Friday, 9th February 2018

શિયાળુ ઓલમ્પિકનો પ્યોંગચાંગ ખાતે પ્રારંભ

નવી દિલ્હી: દુનિયાના બીજા ક્રમના સૌથી મોટા રમતોત્સવ - શિયાળુ ઓલિમ્પિક - નો આવતીકાલથી સાઉથ કોરિયાના પ્યોંગચાંગ ખાતે પ્રારંભ થશે. તારીખ ૨૫ ફેબુ્રઆરી સુધી ચાલનારા શિયાળુ ઓલિમ્પિક રમતોત્સવમાં વિશ્વના ૯૨ દેશોના ૨,૯૫૨ જેટલા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. બરફના મેદાન પર રમાતી રમતોના મહાકુંભ એટલે કે શિયાળુ ઓલિમ્પિકમાં મોટાભાગે શીત કટિબંધના દેશો ભાગ લે છે. ભારતે આ ઓલિમ્પિકમાં બે સ્પર્ધકોને ઉતાર્યા છે. સાઉથ કોરિયાના પ્યોંગચાંગ ઓલિમ્પિક સ્ટેડિયમમાં ભારતીય સમય પ્રમાણે સાંજે ૪.૩૦ વાગ્યાથી શિયાળુ ઓલિમ્પિકનો પ્રારંભ થશે. આ ઓલિમ્પિકમાં કુલ ૧૫ રમતો અંતર્ગત ૧૦૨ સ્પર્ધાઓ યોજાશે. આ શિયાળુ ઓલિમ્પિકમાં બિગ એર સ્નોબોર્ડિંગ, માસ સ્ટાર્ટ સ્પીડ સ્કેટિંગ, મિક્સ ડબલ્સ કુર્લીંગ તેમજ મિક્સ ટીમ આલ્પાઈન સ્કીઈંગ ઈવેન્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. નોર્થ કોરિયા અને સાઉથ કોરિયા વચ્ચેની તંગદિલીને કારણે દુનિયાના ઘણા ખેલાડીઓ અને ઓફિસિઅલ્સે અગાઉ સલામતીના કારણોસર આ ઓલિમ્પિકમાં ન જોડાવાનો નિર્ણય લીધો હતો. જોકે નોર્થ કોરિયા અને સાઉથ કોરિયાએ ઓલિમ્પિકના સફળ આયોજન માટે હાથ મિલાવ્યા હતા અને તેઓ આવતીકાલના ઉદ્ઘાટન સમારંભમાં એકસાથે માર્ચ પાસ્ટમાં ભાગ લેવાના છે. આટલું જ નહી તેઓએ મહિલા હોકીમાં કોરિયાની એક ટીમ તૈયાર કરીને સ્પર્ધામાં ઉતારવાનો નિર્ણય લીધો છે. રશિયા પર હાલમાં ડોપિંગ પ્રતિબંધ હોવાથી તેના મોટાભાગના ખેલાડીઓને વિન્ટર ઓલિમ્પિકમાં સ્થાન મળ્યું નથી. જોકે રશિયાના કેટલાક ક્લિન એથ્લીટ્સ ઓલિમ્પિક ફ્લેગના નેજા હેઠળ આ ઓલિમ્પિકમાં જોડાશે.

(5:42 pm IST)