ખેલ-જગત
News of Wednesday, 9th October 2019

કાલે ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમ ફરી આમને-સામનેઃ વધુ એક સિદ્ધિ મળશે

નવી દિલ્હી :હોસ્ટ ભારત અને સાઉથ આફ્રિકાની ટીમ ગુરુવારે વધુ એક મેચમાં આમને-સામને આવશે. આ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતની ચોથી અને સાઉથ આફ્રિકાની આ બીજી મેચ હશે. નવ ટીમની આ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમ ત્રણ મેચ જીતીને પહેલા સ્થાન પર જતી રહી છે. સાઉથ આફ્રિકાને હજી પણ આ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ખાતુ ખોલવાનું બાકી છે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 9 દેશ સામેલ છે. તેમાં ભારત, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે મેચની શરૂઆત થઈ ચૂકી છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશની ટીમોએ ચેમ્પિયનશિપમાં હજી પહેલી મેચ રમવાની બાકી છે.

ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડે રમ્યા સૌથી વધુ મેચ

આ આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપમાં અત્યાર સુધી સૌથી વધુ મેચ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ છે. આ બંને ટીમ વચ્ચે પાંચ-પાંચ ટેસ્ટ મેચ રમાઈ ચૂક્યા છે. તેના બાદ ભારત (3)નો નંબર આવે છે. ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડીઝે બે-બે અને સાઉથ આફ્રિકા એક મેચ રમ્યું છે.

વિન્ડીઝ-સાઉથ આફ્રિકાને બાકી છે આ કામ

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડે ભલે ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી વધુ મેચ રમી હોય, પરંતુ આ બંને ટીમ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ટોપ-3માં નથી. ભારત 160 અંકની સાથે પોઈન્ટ ટેબલમાં પહેલા સ્થાન પર છે. ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા 60-60 અંકની સાથે ક્રમશ બીજા અને ત્રીજા સ્થાન પર છે. તેના બાદ ઓસ્ટ્રેલિયા (56) અને ઈંગ્લેન્ડ (56) છે. સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડીઝને હજી એકપણ અંક મળ્યા નથી.

ભારત ડબલ શતકથી 40 અંક દૂર

ભારત અને સાઉથ આફ્રિકાની વચ્ચે ત્રણ મેચની સીરિઝ રમવામાં આવી રહી છે. આ સીરિઝમાં દરેક જીત પર 40 અંક મળવાના છે. આ રીતે જો ભારતીય ટીમ 10 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલ પૂણે ટેસ્ટ મેચમાં જીત મેળવે છે તો તેના 200 અંક થઈ જશે. જો આવુ થાય છે તો તે ચેમ્પિયનશિપમાં 200 અંક મેળવનારી તે પહેલી ટીમ બની જશે. ભારતને વેસ્ટ ઈન્ડીઝ સામે સીરિઝ જીતવા પર 120 અંક મળ્યા હતા.

(4:30 pm IST)