ખેલ-જગત
News of Monday, 9th September 2019

કેરેબિયન પ્રીમિયર લીગ (CPL)ની ઇવેન્ટમાં ભાગ લેવા બદલ દિનેશ કાર્તિકને શો-કોઝ નોટિસ

નવી દિલ્હી:બીસીસીઆઇએ ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિકને કારણ બતાઓ નોટિસ પાઠવી છે. આ શો-કોઝ નોટિસ કેરેબિયન પ્રીમિયર લીગ (CPL)ની ફ્રેન્ચાઇઝીએ ત્રિબાંગો નાઇટ રાઇડર્સના એક પ્રમોશનલ ઇવેન્ટમાં ભાગ લેવા અંગે છે. પોર્ટ ઓફ સ્પેન ખાતે યોજવામાં આવેલી આ ઇવેન્ટમાં કાર્તિક ટ્રિનબાગો નાઇટ રાઇડર્સના ડ્રેસિંગ રૂમમાં અને ટીમની ઓપનિંગ મેચમાં પણ હાજરી આપી હતી. બોર્ડની મંજૂરી વિના પ્રાઇવેટ લીગમાં ભાગ લેવા અંગે બીસીસીઆઇએ પ્રશ્નાર્થ કરીને કાર્તિકને સવાલ કર્યો છે કે શા માટે તેનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ રદ ના કરવો જોઈએ? બોર્ડના એક અધિકારીએ જણાવ્યું હતું કે કાર્તિકને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે.  અમને કેટલાક ફોટોગ્રાફ્સ મળ્યા છે જેમાં કાર્તિક ટ્રિનબાગો નાઇટ રાઇડર્સ ટીમના ડ્રેસિંગ રૂમમાં નજરે પડી રહ્યો છે. ત્યારબાદ બોર્ડના સીઇઓ રાહુલ જૌહરીએ તેને નોટિસ પાઠવી હતી. બોર્ડ સાથેના કોન્ટ્રાક્ટ અનુસાર કાર્તિક કોઈ અન્ય ફ્રેન્ચાઇઝી લીગમાં હાજરી આપી શકતો નથી અને તે કોઈ પ્રાઇવેટ લીગ સાથે જોડાઈ શકતો નથી.  કાર્તિક સાથે આ અંગે તેની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તેનો સંપર્ક થઈ શક્યો નહોતો પરંતુ તે કોઈ પણ શરત વિના માફી માગી લેશે કારણ કે વિજય હઝારે ટ્રોફી માટેની નેશનલ વન-ડે ચેમ્પિયનશિપ ૨૪મી સપ્ટેમ્બરથી રમાશે.

(6:17 pm IST)