ખેલ-જગત
News of Monday, 9th September 2019

બાંગ્લાદેશ સામે ટેસ્ટ સિરીઝમાં અફગાનિસ્તાન ઇતિહાસ રચવા તૈયાર

નવી દિલ્હી:બાંગ્લાદેશ સામેની એક માત્ર ટેસ્ટ મેચ જીતવા માટે અફઘાનિસ્તાન ૪ વિકેટ દૂર છે અને મેચના છેલ્લા અને પાંચમા દિવસે જો વરસાદનું વિઘ્ન નહીં નડે તો અફઘાનિસ્તાન ઇતિહાસ રચી શકશે. વરસાદના કારણે રવિવારે પહેલા બે કલાક અને સાંજના સમયે એક કલાકની રમત ધોવાઈ હતી. અફઘાનિસ્તાને રવિવારે આગલા દિવસના ૮ વિકેટે ૨૩૭ રનના સ્કોર પર દાવ શરૂ કર્યો હતો અને ૨૩ રનના ઉમેરા સાથે ૨૬૦ રને તેમનો દાવ પૂરો થયો હતો. અફસર ઝાઝાઈ ૪૮ રને અણનમ રહ્યો હતો. આમ બાંગ્લાદેશને જીત માટે ૩૯૮ રનનો વિશાળ લક્ષ્યાંક મળ્યો હતો.બીજા દાવમાં બાંગ્લાદેશની ૬ વિકેટો ૧૩૬ રનમાં પડી ગઈ છે અને હવે ૪ વિકેટ હાથમાં છે પણ જીતમાટે ૨૬૨ રન બનાવવાના છે જે અશક્ય લક્ષ્ય લાગે છે. ચોથા દિવસે અફઘાનિસ્તાને ૬ વિકેટો ઝડપીને બાંગ્લાદેશની હાલત કફોડી બનાવી છે. અફઘાન સુકાની રાશિદ ખાને ૪૬ રન આપીને ૩ વિકેટ અને ઝાહીર ખાને ૩૬ રન આપીને બે વિકેટ ઝડપી છે. બાંગ્લાદેશ વતી શાદમાન ઈસ્લામે ૪૧ અને મુશ્ફિકુર રહીમે ૨૩ રન બનાવ્યા હતા. દાવ સમાપ્ત થયો ત્યારે શાકીબ અલ હસન ૩૯ રને અને સૌમ્ય સરકાર શૂન્ય રને દાવમાં છે.

(6:16 pm IST)