ખેલ-જગત
News of Wednesday, 9th June 2021

વિરાટના ઇન્સ્ટાગ્રામમાં ૧૨ કરોડ ફોલોઅર્સ

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી રમતના ક્ષેત્રે રેકોર્ડ બનાવતો રહે છે. પરંતુ આ વખતે તેણે સોશિયલ મીડિયાની દુનિયામાં ઇતિહાસ રચ્યો છે. કેપ્ટન કોહલી વિશ્વનો પહેલો ક્રિકેટર અને એશિયામાં પહેલો સેલિબ્રિટી બની ગયો છે. જેના ઇન્સ્ટાગ્રામ પર ૧૨૫ મિલિયન એટલે કે ૧૨ કરોડથી વધુ ફોલોવર્સ છે. આ ૩૧ વર્ષીય ખેલાડીએ અત્યાર સુધીમાં કુલ ૧૧૭૫ પોસ્ટ કરી છે. જ્યારે વિરાટ ઇન્સ્ટાગ્રામ પર માત્ર ૨૦૧ લોકોને ફોલો કરે છે.

  વિરાટ કોહલી સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરતો રહે છે. ફેન પણ તેની પોસ્ટને ખૂબ જ પસંદ કરે છે. પરંતુ હવે વિરાટ કોહલીએ સોશિયલ મીડિયાની દુનિયામાં આવું સ્થાન પ્રાપ્ત કર્યું છે, જે આ પહેલા કોઈ ભારતીય મેળવી શક્યું ન હતું. ઇન્સ્ટાગ્રામ પર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ફોલોવર્સની સંખ્યા પણ ૫૬ મિલિયન જ છે. જ્યારે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના ૩૪.૯ મિલિયન ફોલોવર્સ છે. વિરાટ કોહલીની પત્ની અને બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા વિશે વાત કરવામાં આવે તો તેના ઇન્સ્ટાગ્રામ પર ૫૦.૩ મિલિયન ફોલોવર્સ છે.

ઇન્સ્ટાગ્રામ પર ૧૦૦ કરોડ કલબમાં વિરાટ કોહલી સિવાય અન્ય કોઈ ક્રિકેટરનો સમાવેશ નથી. આ કલબમાં વિરાટ સિવાય અભિનેતા ડ્વેન જહોનસન, જે ધ રોક તરીકે ઓળખાય છે. ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, નેમાર અને લિયોનેલ મેસ્સીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સેલેબ્સમાં બેયોન્સ અને એરિયાના ગ્રેંડ આ એલીટ કલબમાં સામેલ છે.

 ખેલાડીઓની વાત કરીએ તો ઇન્સ્ટાગ્રામ પર વિરાટથી આગળ ફકત ત્રણ ખેલાડીઓ છે. ઇન્સ્ટાગ્રામ પર રોનાલ્ડોના ફોલોવર્સ સૌથી વધુ છે. રોનાલ્ડોના ૨૯૦ મિલિયનથી વધુ ફોલોવર્સ છે, જ્યારે મેસ્સીનો નંબર તેની પછી આવે છે, મેસ્સીને ૨૦૦ મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે. જ્યારે ત્રીજા સ્થાને બ્રાઝિલનો નેમાર છે. નેમારના ફોલોવર્સની સંખ્યા ૧૫૧ મિલિયન છે.

(4:05 pm IST)