ખેલ-જગત
News of Friday, 9th April 2021

IPLમાંથી વર્લ્ડ કપ માટેના ખેલાડીઓ મળશે

સેમસન અને પંતને કેપ્ટન તરીકેનો અનુભવ મળશેઃ યુવા ખેલાડીઓ વચ્ચે સ્પર્ધા

નવીદિલ્હીઃ ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ) ટી૨૦ વર્લ્ડ કપમાં કયા ખેલાડીઓને ટીમની સ્કવોડમાં સામેલ કરશે એ વાતનો અંદાજ આઇપીએલથી મળી રહેશે. સિનિયર અને અનુભવી યુવા ખેલાડીઓ ઉપરાંત નવા યુવા ખેલાડીઓ પણ ભારતીય ટીમમાં પોતાનું સ્થાન મજબૂત કરવાના પ્રયાસ કરતા જોવા મળશે. ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ સહિત રાહુલ તેવટિયા, ટી. નટરાજન, વરૂણ ચક્રવર્તી વચ્ચે ખાસ્સી સ્પર્ધા જોવા મળી શકે છે. વારંવાર ઈજાગ્રસ્ત થનારા ભુવનેશ્વર કુમાર, રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાએ સંભાળીને રમવું પડશે.

આઇપીએલમાં આ વખતે સંજુ સેમસન (રાજસ્થાન રોયલ્સ) અને રિષભ પંત (દિલ્હી કેપિટલ્સ)ના રૂપમાં બે યુવા કૅપ્ટન જોવા મળશે. તેમના અને તેમની ટીમના પર્ફોર્મન્સ પર દરેકની નજર રહેશે. જે પણ સફળ રહેશે તે ટીમ ઇન્ડિયા માટે વિરાટ કોહલી-રોહિત શર્માના અનુગામી તરીકેની દાવેદારી નોંધાવશે.

હોમ એડ્વાન્ટેજ નહી મળે

ભારતમાં રમાનારી આ પહેલી સીઝન હશે જેમાં કોઈ ટીમ હોમ-એન્ડવાન્ટેજ નહીં મેળવી શકે. પાંચ-છ ઝોનમાં લીગ રાઉન્ડને વહેંચી નાખવામાં આવ્યો છે. મુંબઈની અમુક મેચો ચેન્નઈમાં રમાશે તો ચેન્નઈની મુંબઈમાં.

(3:02 pm IST)