ખેલ-જગત
News of Friday, 8th October 2021

ટી-૨૦ વર્લ્ડકપમાં માત્ર એક ભારતીય અમ્પાયર નીતીન મેનનને સ્થાન મળ્યું

૨૦ અધિકારીઓમાંથી ૧૬ અમ્પાયર અને ૪ મેચ રેફરી તરીકે સેવા આપશે

નવી દિલ્હીઃ ટી-૨૦ વર્લ્ડકપમાં અમ્પાયરોની યાદીમાં માત્ર એક ભારતીય અમ્પાયર નીતિન મેનનને સ્થાન મળ્યું છે. ૨૦ અધિકારીઓમાંથી ૧૬ અમ્પાયર અને ચાર મેચ રેફરી છે.  ટી ૨૦ વર્લ્ડ કપમાં ૪૫ મેચ રમાશે.  ૧૬ માંથી ત્રણ અમ્પાયરો માટે આ છઠ્ઠો ટી ૨૦ વર્લ્ડ કપ હશે.  તેમાં અલીમ ડાર, મરાઇસ ઇરેસ્મસ અને પાકિસ્તાનના રોડ ટકરનો સમાવેશ થાય છે.

  ટુર્નામેન્ટ માટે ૨૦ અધિકારીઓની નિમણૂકનો અર્થ એ છે કે કોરોનાની શરૂઆત બાદ પ્રથમ વખત ૧૬ ટીમોની ટુર્નામેન્ટમાં દરેક મેચ માટે તટસ્થ અમ્પાયરો હશે.  એટલે કે, જે ટીમો રમશે, અમ્પાયર અથવા રેફરી તે દેશોની બહાર હશે.  ઓમાનના મસ્કતમાં અને યુએઈ, અબુ ધાબી, શારજાહ અને દુબઈના ત્રણ સ્ટેડિયમમાં મેચ રમાશે. શ્રીલંકાના કુમાર ધર્મસેના ઓમાન અને પાપુઆ ન્યુ ગિની વચ્ચે વર્લ્ડ કપની પ્રથમ મેચમાં કાર્યભાર સંભાળશે.  અલીમ ડાર અને ઇરાસ્મસ સુપર -૧૨ રાઉન્ડ (ઇંગ્લેન્ડ વિ વેસ્ટ ઇન્ડીઝ)ની પ્રથમ મેચમાં કાર્યરત જોવા મળશે. જોકે, આઇસીસીએ સેમીફાઇનલ અને ફાઇનલ માટે અધિકારીઓની જાહેરાત કરવાની બાકી છે.  આ અંગેનો નિર્ણય થોડા દિવસો બાદ લેવામાં આવશે.

મેચ રેફરી તરીકે ડેવિડ બૂન, જેફ ક્રો, રંજન માદુગલે, જવાગલ શ્રીનાથ તેમજ  અમ્પાયરોમાં ક્રિસ બ્રાઉન, અલીમ ડાર, કુમાર ધર્મસેના, મેરાઈસ ઈરાસ્મસ, ક્રિસ ગેફની, માઈકલ ગફ, એડ્રિયન હોલ્ડસ્ટોક, રિચાર્ડ ઈલિંગવર્થ, રિચાર્ડ કેટલબરો, નીતિન મેનન, અહેસાન રઝા, પોલ રાઈફલ, લેંગટન રસેર, રોડ ટકર, જોએલ વિલ્સન, પોલ વિલ્સન સેવા આપશે.

(12:44 pm IST)