ખેલ-જગત
News of Thursday, 8th August 2019

દિપક ચાહરની સ્વિંગથી ઈમ્પ્રેસ વિરાટ કોહલી

કેપ્ટને તેની સરખામણી ભુવનેશ્વર સાથે કરી

ગયાના : ભારતના કેપ્ટન વિરાટ કોહલીનું માનવું છે કે દીપક ચાહર અનુભવી ભુવનેશ્વર કુમાર જેટલો જ સારો બોલર છે. દીપકે વેસ્ટ ઇન્ડીઝ સામે ત્રીજી અને છેલ્લી ટી૨૦ ઇન્ટરનેશનલ મેચમાં ફકત ૪ રન આપીને ૩ વિકેટ લીધી હતી. તેની જોરદાર બોલિંગને કારણે ભારત વેસ્ટ ઇન્ડીઝને ૬ વિકેટે ૧૪૬ રનના ટોટલે રોકવામાં સફળ રહ્યું હતું. ઇન્ડિયાએ ૭ વિકેટથી જીત મેળવીને સિરીઝમાં ૩-૦થી વાઇટવોશ કર્યો હતો.

પોસ્ટ-મેચ પ્રેઝન્ટેશનમાં વિરાટે કહ્યું કે અમારે બે નવા પ્લેયરોને અજમાવવા હતા. અમે બન્ને ચાહર બ્રધર્સને ચાન્સ આપ્યો હતો. રાહુલની આ ડેબ્યુ મેચ અને દીપકની કમબેક મેચ હતી. મારા ખ્યાલથી દીપકે નવા બોલથી આઉટસ્ટેન્ડિંગ બોલિંગ કરી હતી. હું ખરેખર દીપકની બોલિંગથી ઇમ્પ્રેસ થયો છું અને તેણે રાહુલ સાથે ખૂબ સારી બોલિંગ કરી હતી. દીપકની શાનદાર શરૂઆતથી એક ફીલ્ડિંગ ટીમ અને બોલિંગ યુનિટ તરીકે અમારો દિવસ સારો રહ્યો હતો. દીપકને સ્વિંગ મળવાને કારણે તેને પહેલી ૩ વિકેટ જલદી મળી જેને કારણે વેસ્ટ ઇન્ડીઝ મોટો સ્કોર ન બનાવી શકયું.

કોહલીએ તેની બેટિંગ વિશે કહ્યું કે મને નથી લાગતું કે મારે બેટથી કંઈ પ્રૂવ કરવાની જરૂર છે. મારે મારી જવાબદારી નિભાવવાની છે. હું મારા પોતાના માટે નથી રમતો.

(1:25 pm IST)