જોકોવિક ઉપર જીત મેળવી થીમે મોટો અપસેટ સર્જ્યો
ફાઈનલમાં રાફેલ નડાલ સામે ટક્કર થશે : તમામ ગ્રાન્ડસ્લેમ બીજીવાર જીતવા માટેનું સ્વપ્ન રોળાયું
પેરિસ, તા. ૮ : તમામ ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીતનાર ઇતિહાસમાં માત્ર બીજા ખેલાડી બનવાનું નોવાક જોકોવિકનું સ્વપ્ન આજે રોળાઇ ગયું હતું. કારણ કે, વરસાદગ્રસ્ત મેચ આજે આગળ રમાયા બાદ ડોમિનિક થીમે નોવાક જોકોવિક ઉપર ૬-૨, ૩-૬, ૭-૫, ૫-૭ અને ૭-૫થી મેચ જીતી લીધી હતી. થીમે પ્રથમ ક્રમાંકિત ખેલાડીને હાર આપીને મોટો અપસેટ સર્જ્યો હતો. ગયા વર્ષની ફાઇનલમાં પણ થીમની ટક્કર રાફેલ નડાલ સામે થઇ હતી. આ વખતે પણ બંને આમને સામને આવ્યા છે. રાફેલ નડાલ પહેલાથી જ ફાઈનલમાં પહોંચી ચુક્યો છે. ૨૫ વર્ષીય ઓસ્ટ્રીયન ખેલાડી થીમ હવે નડાલ સામે રમશે જે ૧૭ મોટી સ્પર્ધા જીતી ચુક્યો છે. પેરિસમાં રોલેન્ડ ગેરોસ ખાતે દર વર્ષે આનું આયોજન કરવામાં આવે છે. આ ટુર્નામેન્ટ ઈન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન દ્વારા ચલાવવામાં આવે છે. ગ્રાન્ડસ્લેમની કેટેગરી હેઠળ તે ગણાય છે. ટુર્નામેન્ટમાં પુરૂષ અને મહિલા સિંગલ્સ વર્ગ, ડબલ્સ ડ્રોની જાહેરાત કરવામાં આવે છે. ૨૨થી વધુ કોર્ટ ઉપર આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ત્રણ મુખ્ય શો કોર્ટ છે. ઈનામી રકમની વાત કરવામાં આવે તો આ વખતે પુરૂષોના વર્ગમાં સિંગલ્સ વિજેતા અને મહિલા સિંગલ્સ વિજેતાને એક સમાન ઈનામી રકમ આપવામાં આવનાર છે.
આ વખતે પુરુષો અને મહિલા વર્ગ ઉપરાંત હમેશની જેમ જ મિક્સ્ડ ડબલ્સ, મહિલા ડબલ્સ અને પુરુષ ડબલ્સ પણ રમાનાર છે. ગયા વર્ષ કરતા આ વખતે ઇનામી રકમમાં આઠ ટકાનો વધારો કરાયો છે. નડાલે બીજી સેમિફાઇનલ મેચમાં રોજર ફેડરરને હાર આપીને ફાઈનલમાં કૂચ કરી હતી. રોજર ફેડરર પર નડાલે તેનું પ્રભુત્વ જાળવી રાખ્યું હતું અને મેચ ૬-૩, ૬-૪ અને ૬-૨થી જીતી લીધી હતી.