ખેલ-જગત
News of Wednesday, 8th January 2020

આઈસીસી ટેસ્ટ રેંકિંગમાં વિરાટ કોહલી પ્રથમ ક્રમાંકે

રહાણે અને ચેતેશ્વર પુજારાની પીછેહઠ થઇ : સ્ટિવ સ્મિથ ૯૧૧ પોઇન્ટ સાથે બીજા સ્થાન ઉપર રહ્યો

દુબઈ, તા. ૮ : ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ આજે બેટ્સમેનોની જારી કરવામાં આવેલી આઈસીસી ટેસ્ટ રેંકિંગમાં પ્રથમ સ્થાને રહેવામાં સફળતા મેળવી છે. કોહલી ૯૨૮ પોઇન્ટની સાથે બીજા સ્થાન ઉપર છે જ્યારે ઓસ્ટ્રેલિયન સ્ટિવ સ્મિથ ૯૧૧ પોઇન્ટ સાથે બીજા સ્થાને છે. પુજારા ૭૯૧ પોઇન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે. જ્યારે રહાણે ૭૫૯ પોઇન્ટ સાથે નવમાં સ્થાને છે તે પણ ટોપટેનમાં સ્થાન મેળવી લેવામાં સફળ રહ્યો છે. બોલરોની વાત કરવામાં આવે તો જસપ્રિત બુમરાહ ૭૯૪ પોઇન્ટ સાથે છઠ્ઠા સ્થાને અને સ્પીનર રવિચંદ્રન અશ્વિન ૭૭૨ પોઇન્ટ સાથે નવમાં અને મોહમ્મદ સામી ૭૭૧ પોઇન્ટ સાથે ૧૦માં સ્થાન ઉપર છે. લાબુશેને હાલમાં જ જોરદાર દેખાવ કરીને તમામને પ્રભાવિત કર્યા છે. લાબુશેન રેંકિંગમાં ત્રીજા સ્થાને પહોંચ્યો છે. ૨૫ વર્ષના આ ખેલાડીએ ન્યુઝીલેન્ડની સામે અંતિમ ટેસ્ટ મેચમાં ૨૧૫ અને ૫૯ રનની ઇનિંગ્સ રમી હતી. આ શ્રેણીમાં તે ૫૪૯ રન કરીને ટોપ સ્કોરર તરીકે રહ્યો હતો. પેટ કમિન્સ ૯૦૪ પોઇન્ટ સાથે યાદીમાં વાગનર બાદ ટોપ ઉપર રહ્યો છે. વેસ્ટઇન્ડિઝના હોલ્ડરના ૮૩૦ પોઇન્ટ છે. મિશેલ સ્ટાર્કે માર્ચ ૨૦૧૮ બાદ પોતાની કેરિયરની સર્વશ્રેષ્ઠ પાંચમી રેંકિંગ મેળવી છે. ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે ૪૭ અને ૭૨ રનની ઇનિંગ્સ રમીને બીજી વખત ટોપ ટેનમાં એન્ટ્રી કરવામાં સફળતા મેળવી છે. જેમ્સ એન્ડરસન ૨૮મી વખત પાંચ વિકેટના રેકોર્ડથી બોલરોની યાદીમાં ટોપટેનમાં આવી ગયો છે.

(7:42 pm IST)