ખેલ-જગત
News of Saturday, 7th December 2019

ઓસ્‍ટ્રેલિયા ક્રિકેટ ટીમના કેપ્‍ટન ટીમ પેનનું વિરાટ કોહલીને ઓસ્‍ટ્રેલિયામાં બે ડે-નાઇટ ક્રિકેટ મેચ રમવા આમંત્રણ

મેલબર્નઃ ભારતીય ટીમે તાજેતરમાં જ બાંગ્લાદેશ સામે પોતાની પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ મેચ રમી હતી. કોલકાતામાં રમાયેલી આ મેચમાં સ્ટેડિયમ હાઉસફુલ રહ્યું હતું. મેચ સમાપ્ત થતા-થતા ઓસ્ટ્રિલિયાના કેપ્ટન ટિમ પેનનું ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને આવી જ મેચ રમવાનું આમંત્રણ મળી ગયું હતું. જો આગળ સંજોગો ઉચિત રહ્યા તો ભારત અને ઓસ્ટ્રેલિયા એક નહીં પરંતુ બે-બે ડે-નાઈટ ટેસ્ટ મેચ રમી શકશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તેની યોજના બનાવી રહ્યું છે.

ભારતીય ટીમ 2021માં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાની છે. ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડ અત્યારથી જ તેની તૈયારીમાં જોડાઈ ગયું છે. ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ આવતા મહિને વન ડે શ્રેણી રમવા માટે ભારત આવવાની છે. આ ટીમની સાથે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનું એક પ્રતિનિધિ મંડળ પણ આવી શકે છે. આ પ્રતિનિધિમંડળ ભારતીય ક્રિકેટ બોર્ડના અધિકારીઓની મુલાકાત કરશે. એવું માનવામાં આવી રહ્યું છે કે, ઓસ્ટ્રેલિયામાં અધિકારીઓ આગામી ટેસ્ટ શ્રેણીમાં બે ડે-નાઈટ ટેસ્ટ મેચ કરાવાનો પ્રસ્તાવ રજુ કરશે.

વેબસાઈટ ક્રિકઈન્ફોએ આ અંગે એક રિપોર્ટ પ્રકાશિત કર્યો છે. વેબસાઈટે સીએના પ્રતિનિધિમંડળના અધ્યક્ષ અર્લ એડિંગ્સના હવાલાથી લખ્યું છે કે, "અમે આ અંગે અત્યારે ઔપચારિક વાટાઘાટો શરૂ કરી નથી. અમે જાન્યુઆરીમાં આ અંગે વાત કરી શકીએ છીએ. જેવું કે તમે જાણો છો કે ભારતે પોતાની પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ મેચ રમી છે. હવે તેમને આનો અનુભવ મળી ગયો છે. મને કોઈ શંકા નથી કે હવે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન એક કે બે ડે-નાઈટ ટેસ્ટ મેચ રમી શકે છે."

ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયા ડે-નાઈટ ટેસ્ટ મેચ રમનારો પ્રથમ દેશ છે. આ મેચ 2015માં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી. અત્યાર સુધી 9 દેશ ડે-નાઈટ ટેસ્ટ મેચ રમી ચુક્યા છે. સૌથી વધુ 6 ડે-નાઈટ ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયાએ જ રમી છે. તેણે આ બધી જ મેચ જીતી છે. અત્યાર સુધી કુલ 13 ડે-નાઈટ ટેસ્ટ મેચ રમાઈ છે અને દરેક મેચનું પરિણામ આવ્યું છે. એક પણ ડે-નાઈટ ટેસ્ટ મેચ ડ્રો રહી નથી.

(4:52 pm IST)