ખેલ-જગત
News of Friday, 7th December 2018

સીડની ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં ભાગ લેશે આ મહિલા ટેનિસ ખેલાડીઓ

નવી દિલ્હી:ટેનિસની પ્રોફેશનલ મહિલા ખેલાડીઓએ આગામી સિઝનની તૈયારીઓ શરૃ પણ કરી દીધી છે. આવતા વર્ષના પ્રારંભે યોજાનારા ઓસ્ટ્રેલિયન ઓપન ગ્રાન્ડ સ્લેમ અગાઉ મેચ પ્રેક્ટિસ મળી રહે તે માટે ટોચની ૧૦માંથી આઠ ખેલાડીઓએ સીડની ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે નામ નોંધાવી દીધા છે. આયોજકોએ જાહેરાત કરી  કે, આવતા વર્ષની ટુર્નામેન્ટમાં ટોચની ટેનિસ સ્ટાર સિમોના હાલેપ, જાપાનની નાઓમી ઓસાકા અને જર્મનીની એંજેલિક કેર્બર જેવી ખેલાડીઓ ભાગ લેવાની છે.ઓસ્ટ્રેલિયન ઓપન ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનશીપ શરૃ થાય તેના અગાઉના સપ્તાહે સીડનીમાં તારીખ ૬ જાન્યુઆરી, ૨૦૧૯થી આ ટુર્નામેન્ટનો પ્રારંભ થશે. યુએસ ઓપન ચેમ્પિયન નાઓમી ઓસાકા પણ ટુર્નામેન્ટનું આકર્ષણ રહેશે. જ્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન અને વિમ્બલ્ડન વિજેતા જર્મનીની એંજેલીક કેર્બર, અમેરિકાની ભૂતપૂર્વ યુએસ ઓપન ચેમ્પિયન સ્લોએન સ્ટેફન્સ, ચેક રિપબ્લિકની પેટ્રા ક્વિટોવા તેમજ કારોલીના પ્લીસકોવા, નેધરલેન્ડની કિકિ બેર્ટેન્સ અને રશિયાની ડારિયા કાસાટ્કીના પણ ટુર્નામેન્ટમાં આકર્ષણ જમાવશે. ટોપ ટેનમાં સ્થાન ધરાવતી ડેનમાર્કની વોઝનીઆકી અને યુક્રેનની એલિના સ્વિટોલીના જ આ ટુર્નામેન્ટમાં રમવાના નથી. બ્રિટનના ૧૪મો ક્રમાંક ધરાવતા કાયલ એડમંડને ટોપ સીડ જાહેર કરવામાં આવ્યો છે. તેની સાથે સાથે ટુર્નામેન્ટમાં ફ્રાન્સનો જીલેસ સિમોન, ઓસ્ટ્રેલિયાનો આશાસ્પદ યુવા ખેલાડી ડે મિનાર અને ફ્રાન્સના લુકાસ પૌલે તેમજ સોંગા ભાગ લેવાના છે. 

(5:04 pm IST)