ખેલ-જગત
News of Monday, 7th October 2019

મસ્તી કરતા- કરતા ટીમને સારી સ્થિતિમાં પહોંચાડવાનું મારૃં લક્ષ્ય હતું: રોહિત

ઓપનર તરીકે સાવચેતી રાખવી પડે, પરિસ્થિતિ અનુરૂપ રમવું પડે

વિશાખાપટ્ટનમઃ  ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ મેચમાં ભારતે ૧-૦થી લીડ મેળવી લીધી હતી, જેમાં બન્ને ઇનિંગમાં સેન્ચુરી કરનારા રોહિત શર્માને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ગઈ કાલે મેચ પત્યા બાદ પોતાના ગેમની સ્ટ્રેટેજી વિશે રોહિતે વાત કરી હતી જેમાં તેણે પોતાના મનની સ્થિતિ અને ટાર્ગેટ વિશે વાત કરી હતી.

ગેમ વિશે વાત કરતાં રોહિતે કહ્યું હતું કે 'મસ્તી કરતાં-કરતાં ટીમને સારી અને મજબૂત સ્થિતિમાં પહોંચાડવાનો મારો ટાર્ગેટ હતો. મારે બસ ત્યાં જઈને ખૂલીને રમવું હતું અને મારૃં બેસ્ટ આપવું હતું. ઓપનર તરીકે મને નવી તક આપવા બદલ હું સૌનો આભારી છું. હું ટેસ્ટમાં ઓપનર તરીકે પહેલાં કયારેય નથી રમ્યો. આ એક નવો અનુભવ હતો અને ટીમના પ્લેયરોએ પણ સારૃં પર્ફોર્મ કર્યું હતું.'

પોતાની સ્ટ્રેટેજી વિશે વધારે વાત કરતાં રોહિતે કહ્યું હતું કે 'કેટલાંક વર્ષ પહેલાં મને ઓપનર તરીકે રમવાની વાત કહેવામાં આવી હતી. નેટમાં પણ હું જયારે પ્રેકિટસ કરતો હોઉં ત્યારે હું નવા લાલ બોલથી રમું છું. જોકે એનાથી વધારે ફરક નથી પડતો કે તમે વાઇટ બોલથી રમો છો કે રેડ બોલથી. મહત્ત્વની વાત એ છે કે જયારે તમે ઓપનર તરીકે રમવા આવો છો ત્યારે તમારે ઘણી સાવચેતી રાખવી પડે છે અને પરિસ્થિતિને અનુરૂપ થઈને રમવું પડે છે. મારી પાસેથી જે પ્રમાણે આશા રાખવામાં આવી રહી હતી એ પ્રમાણે મારે એક લાંબી ઇનિંગ રમવાની હતી અને હું ખુશ છું કે એ ધારણા પ્રમાણે ગેમ રમી શકયો. બેટિંગ વખતે મેં મારી વિકેટ સંભાળી રાખી હતી. જયારે હું યુવાન હતો ત્યારે ઘણા લોકો મારા વિશે અલગ- અલગ વાતો કરતા, પણ હવે મેં મારી આજુબાજુ એક મજબૂત પરત બનાવી લીધી છે.'

પોતાના સાથીપ્લેયરો ઇશાન્ત શર્મા અને મોહમ્મદ શમી વિશે કરતાં રોહિતે કહ્યું હતું કે 'અમે ઇચ્છતા હતા કે ઇશાન્ત અને શમી પાંચમા દિવસે ફ્રેશ ફીલ કરે. સ્પિનરો માટે વધારે કશું હતું નહીં એટલે અમે નક્કી કર્યું હતું કે પેસરો પાસેથી નાના સ્પેલ કરાવીશું અને અમને ખબર હતી કે જો શમી ફ્રેશ હશે અને તેને બિરયાની મળશે તો તે કંઈક કમાલ કરી શકશે.'

ઓપનર તરીકે ટેસ્ટ મેચની બન્ને ઇનિંગમાં સેન્ચુરી કરનારો રોહિત ભારતનો છઠ્ઠો પ્લેયર બન્યો છે.

(3:59 pm IST)