ખેલ-જગત
News of Tuesday, 7th July 2020

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્‍ટન મહેન્‍દ્રસિંહ ધોનીનો જન્‍મદિનઃ અત્‍યાર સુધીમાં 12 વખત વાળની સ્‍ટાઇલ બદલી ચૂક્‍યો છે

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટના કેપ્ટન કૂલ ગણાતા મહેન્દ્રસિંહ ધોની આજે પોતાનો 39મો બર્થડે ઉજવી રહ્યા છે. ક્રિકેટના મેદાન પર 2007માં આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2011માં આઈસીસી વર્લ્ડ કપ અને 2014માં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જેવી ત્રણ મોટી ટુર્નામેન્ટ જીતનારા દુનિયાના એકમાત્ર કેપ્ટન રહેલા ધોનીની ક્રિકેટ કરિયર સંબંધિત બધી વાતો ક્રિકેટ પ્રેમીઓ તો જાણતા જ હશે પરંતુ ક્રિકેટ સિવાય પણ ધોનીની એક અલગ દુનિયા છે જેની કેટલીક જાણી અજાણી એવી વાતો છે જે કદાચ જ તમને ખબર હોય. આવો આજે ધોનીના જન્મદિવસે તમને આવી જ 11 વાતો જણાવીએ....

12 વાર બદલી ચૂક્યા છે વાળની સ્ટાઈલ

ધોનીની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી સમયે તેના લાંબા વાળ તો તમને યાદ જ હશે. ફિલ્મ સ્ટાર જ્હોન અબ્રાહમની નકલ કરતા ધોનીએ વધારેલા વાળના તો વખાણ પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે પણ કર્યા હતાં. પરંતુ શું તમને ખબર છે કે પહેલીવાર વાળ કપાવ્યાં બાદ ધોની અત્યાર સુધીમાં 12 વખત વાળની સ્ટાઈલ બદલી ચૂક્યા છે. લોકડાઉન અગાઉ ધોનીના વાળની જે સ્ટાઈલ હતી તે ટીમ ઈન્ડિયાના હોટલના રૂમમાં હાર્દિક પંડ્યાએ શેવિંગ મશીન હાથમાં લઈને બનાવી હતી. પંડ્યાએ બર્થડેના અવસરે તેનો વીડિયો પણ ફેન્સ સાથે શેર કર્યો છે.

ધોનીની પ્રતિભાને જોઈને બીસીસીઆઈએ બદલ્યા હતાં નિયમ

ધોની એટલા પ્રતિભાશાળી હતાં કે તેમને ટેલેન્ટ હન્ટના કાર્યક્રમમાં સામેલ કરવા માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પોતાના નિયમમાં ફેરફાર કરીને ઉમરની મર્યાદા 19થી 21 વર્ષ કરી હતી. હકીકતમાં બંગાળના પૂર્વ કેપ્ટન પ્રકાશ પોદ્દાર જમશેદપુરમાં એક અંડર 19 મેચ જોવા આવ્યાં હતાં. જ્યાં અંડર 19 મેચ ચાલુ હતી તેની બાજુમાં જ કીનન સ્ટેડિયમ હતું. કીનન સ્ટેડિયમમાં રણજી વનડે મેચ દરમિયાન વારંવાર બોલ અંડર 19 મેચના ગ્રાઉન્ડમાં આવતો હતો.

પ્રકાશ ઉત્સુક્તા સાથે કીનન સ્ટેડિયમ ગયા તો તેમણે ધોનીને બેટિંગ કરતા જોયા. તે વખતે ધોની બિહાર માટે રમતા હતાં અને બોલને વારંવાર બોન્ડ્રી પાર કરાવતા હતાં. પ્રકાશે પાછા ફરીને ટેલેન્ટ હન્ટ કાર્યક્રમના મુખ્યા પૂર્વ ટેસ્ટ કેપ્ટન દિલીપ વેંગ્સરકરને આ વાત જણાવી હતી. ત્યારબાદ નિયમ બદલીને ધોનીને પણ કાર્યક્રમમાં સામેલ કરાયા. ત્યારબાદ વેંગ્સરકર ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર બન્યાં તો ધોનીની ભારતીય ટીમમાં પસંદગી થઈ.

એક મોટો ભાઈ અને એક બહેન પણ છે પરિવારમાં

ધોનીના પરિવારમાં તેમના માતા પિતા ઉપરાંત પત્ની સાક્ષી રાવત, પુત્રી જીવ સિંહ ધોની, અંગે તો તમે જાણો છો પરંતુ તેમના પરિવારમાં એક મોટી બહેન જયંતી અને મોટો ભાઈ નરેન્દ્ર સિંહ ધોની પણ છે. નરેન્દ્ર મોટાભાગે ઉત્તરાખંડના અલમોડા જિલ્લામાં આવેલા ધોનીના પૈતૃક ગામમાં રહે છે.

કાર અને બાઈકનો છે શોખ

ધોનીને કાર અને બાઈકનો ખુબ શોખ છે. તેમની પાસે હાર્લી ડેવિડસનથી લઈને ડુકાતી સુધીની લગભગ 23 બાઈક છે. જેમાંથી કોન્ફેડરેટ એક્સ 132 હેલકેટ બાઈક અંગે કહેવાય છે કે સમગ્ર દક્ષિણ પૂર્વ એશિયામાં ફક્ત ધોની પાસે જ છે. કારમાં તેમની પાસે હમર એચ2, ઓડી ક્યુ7 છે.

ઝારખંડના સૌથી મોટા ઈન્કમટેક્સ પેયર

ધોની એક મોટી બ્રાન્ડ છે. તેઓ હાલ લગભગ દોઢ ડઝન બ્રાન્ડની જાહેરાત કરે છે. આ જ કારણે ક્રિકેટ સિવાય પણ તેની ઘણી કમાણી છે. જેના કારણે ધોની છેલ્લા કેટલાક વર્ષોથી ઝારખંડના વ્યક્તિગત રીતે સૌથી મોટા કરદાતા બનેલા છે. તેઓ સરેરાશ દર વર્ષે 12થી 15 કરોડનો આવકવેરો ચૂકવે છે.

જિલ્લાસ્તર પર ફૂટબોલ અને બેડમિન્ટન રમી ચૂક્યો છે

ધોનીને ક્રિકેટ સાથે બહુ લગાવ ન હતો. તેઓ પોતાની શાળાની ફૂટબોલ ટીમનો ગોલકિપર હતો. તેમને અચાનક કોચે એક મેચમાં વિકેટકિપર બનાવી દીધો અને તેની ખેલ કરિયર બદલાઈ ગઈ. પરંતુ શું તમે જાણો છો કે બાળપણમાં ધોની ફૂટબોલ અને બેડમિન્ટનનો પણ એક શાનદાર ખેલાડી હતા. પોતાના જિલ્લા તરફથી સ્ટેટ લેવલ પર પ્રતિનિધિત્વ પણ કરી ચૂક્યા છે.

ક્રિકેટ સિવાય આ ખેલમાં પણ લગાવ્યાં છે પૈસા

ધોનીએ ક્રિકેટ સિવાય અન્ય ખેલોમાં પણ પૈસા લગાવ્યાં છે. તે ઈન્ડિયન સુપર લીગ (ISL) ચેન્નાઈ એફસી(Chennaiyin FC) માં પાર્ટનર છે તો બાઈક રેસિંગમાં પણ તેની માહી રેસિંગ ટીમ છે.

પ્રાદેશિક સેનામાં છે માનદ કર્નલનો દરજ્જો હાંસલ, વાયુસેનાના વિમાનમાંથી લગાવી હતી છલાંગ

યુવાઓને સેનામાં આકર્ષિત કરવા માટે ધોનીને 1 નવેમ્બર 2011ના રોજ ભારતીય પ્રાદેશિક સેનાએ પોતાના માનદ લેફ્ટેનન્ટ કર્નલ રેન્ક આપીને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. ધોની સરહદ પર જવાનો સાથે રહીને તેમનો જુસ્સો વધારવા ઉપરાંત શ્રીનગરમાં આતંકી એરિયામાં ડ્યૂટી પણ કરી ચૂક્યા છે. આ સાથે જ તેઓ 2015માં આગરા સ્થિતિ ભારતીય સેનાના પેરા રેજિમેન્ટના પેરા ટ્રુપર શાળામાંથી ટ્રેનિંગ લઈને વાયુસેનાના વિમાનથી લગભગ 15 હજાર ફૂટની ઊંચાઈથી સફળ પેરા જમ્પ પણ કરી ચૂક્યા છે.

માત્ર 4000 રૂપિયા હતી પહેલી સેલરી

આજની તારીખમાં ધોની ભલે ઝારખંડમાં સૌથી વધુ કર ભરતા હોય પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે તેમનું પહેલુ વેતન માત્ર 4000 રૂપિયા હતું. આ પગાર તેમને દક્ષિણ પૂર્વ રેલવેમાં ટીસીની નોકરી કરવા માટે મળતું હતું. તેમની નિયુક્તિ ખડગપુર રેલવે સ્ટેશન પર હતી. ધોની 2001થી 2003 સુધી 3 વર્ષ ટીસી રહ્યાં હતાં.

ગ્રેજ્યુએશન પૂરું કરી શક્યા નહીં

ટીમ ઈન્ડિયા માટે મોટી મોટી પરીક્ષાઓ પાસ કરનારા ધોની ગ્રેજ્યુએશનની પરીક્ષા પાસ કરી શક્યા નહીં. રાંચીના ડીએવી શાળામાંથી પોતાનું સ્કૂલિંગ પૂરું કર્યા બાદ તેમણે સેન્ટ ઝેવિયર્સમાં ગ્રેજ્યુએશન માટે એડમિશન લીધુ પણ દર વખતની જેમ પરીક્ષામાં ફેલ થયાં.

હેલિકોપ્ટર શોટ શીખવાડનાર મિત્ર જલદી દુનિ્યાને અલવિદા કરી ગયો

ધોનીના બેસ્ટ ફ્રેન્ડનું નામ સંતોષ લાલ હતું. જે તેની સાથે ક્રિકેટ રમતો હતો. સંતોષે જ ધોનીને તેમને મશહૂર હેલિકોપ્ટર શોટ શીખવાડ્યો હતો. જેનો ઉપયોગ કરતા ધોનીએ વર્લ્ડ કપ 2011 દરમિયાન ફાઈનલમાં સિક્સર મારીને ખિતાબ જિત્યો હતો. પરંતુ ધોનીનો આ બેસ્ટ ફ્રેન્ડ માત્ર 32 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી ગયો. તેના લીધે ધોની લાંબા સમય સુધી નિરાશ રહ્યાં હતાં.

(4:49 pm IST)