ખેલ-જગત
News of Saturday, 7th July 2018

સ્‍વીડન સામે આજે મેચ જોવા ઈંગ્‍લેન્‍ડમાં લોકોએ લગ્ન સમારોહ પણ ટાળી દીધા

હાલ સમર ફેસ્‍ટીવલ ચાલુ, ઈંગ્‍લેન્‍ડ હારે તો હંગામો ટાળવા પોલીસે દરેક માર્ગ ઉપર બંદોબસ્‍ત પણ ગોઠવી દીધો

ઈંગ્‍લેન્‍ડ ૧૨ વર્ષ બાદ પહેલી વખત ફૂટબોલની સૌથી મોટી ટુર્નામેન્‍ટ ફીફા વર્લ્‍ડકપની કવોર્ટર ફાઈનલમાં પહોંચ્‍યુ છે જયાં આજે એનો મુકાબલો સ્‍વીડન સાથે છે. આ મેચ જોવા માટે લોકોએ પોતાના મહત્‍વનાં કામ કેન્‍સલ કરી દીધા છે અને ઘણાએ પોતાના લગ્નની તારીખ પણ આગળ ધકેલી દીધી છે. સ્‍થાનિક સમય મુજબ ઈં્‌ગ્‍લેન્‍ડમાં આજે બપોરે ત્રણ વાગ્‍યે તાપમાન લગભગ ૨૯ ડિગ્રી રહેવાની સંભાવના છે, જે ઈંગ્‍લેન્‍ડના તાપમાન મુજબ વધારે છે, પણ લોકોને એની કોઈ પરવા નથી. શહેરમાં ઘણી જગ્‍યાએ મેચ જોવા માટે મોટી - મોટી સ્‍ક્રીનની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે, જયાં લાખો ફૂટબોલપ્રેમીઓ ઉમટશે.

ઈંગ્‍લેન્‍ડ અને સ્‍વીડન વચ્‍ચે કવોર્ટર ફાઈનલની ફૂટબોલ મેચ રમાઈ રહી હોય ત્‍યારે લગ્નમાં કોઈ ઉપસ્‍થિત નહિં રહે એથી ઘણા લોકોએ લગ્નની તારીખ બદલી નાખી છે. લગ્ન કરવા જઈ રહેલા એક કપલે સોશ્‍યલ મીડીયામાં તેમની પોસ્‍ટમાં લખ્‍યુ હતું કે જો લગ્નના દિવસે મેચ હોય તો લોકોની ગેરહાજરીમાં ખોટો ખર્ચ કરવાથી ખરાબ બીજુ કંઈ ન હોઈ શકે. આજે જેમના લગ્ન પોસ્‍ટપોન થયા નથી એવા લોકોએ લગ્ન સમારોહના સ્‍થળે ટીવીની વ્‍યવસ્‍થા કરી છે. ઈંગ્‍લેન્‍ડમાં ચાર સમર ફેસ્‍ટીવલ ચાલી રહ્યો છે જેમાં ઘણા લોકો ભાગ લઈ રહ્યા છે. ભીડને કારણે ટ્રાફીક જામ થવાની સંભાવના છે. મેચમાં ઈંગ્‍લેન્‍ડ પરાજીત થાય તો લોકોનો હંગામો ટાળવા માટે સ્‍કોલેન્‍ડ યાર્ડ પોલીસ દરેક માર્ગ પર ચાંપતો બંદોબસ્‍ત કરશે.

(4:18 pm IST)