ખેલ-જગત
News of Thursday, 7th June 2018

ફાઇનલમાં મેસ્સીની હાજરી છતાં આર્જેન્ટિના હારી ગયુ

છેલ્લા વર્લ્ડ કપમાં જર્મની છવાઇ ગયુ હતુ : મેસ્સી એકલા હાથે જ ટીમને ફાઇનલ સુધી ખેંચી ગયો હતો પરંતુ ફાઇનલમાં તે ફ્લોપ રહ્યો : યાદ ફરીથી તાજી

મોસ્કો,તા.૭ : ફીફા વર્લ્ડ કપની શરૂઆત  આડે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે વર્તમાન ચેમ્પિયન જર્મની ફરી એકવાર ટાઇટલ જાળવી રાખવાના ઇરાદાથી મેદાનમાં ઉતરનાર છે. છેલ્લા વર્લ્ડ કપમાં જર્મનીએ ફાઇનલ મેચમાં આર્જેન્ટિના પર એક શુન્યથી જીત મેળવી હતી. આની સાથે જ તે વર્લ્ડ કપ જીતી જવામાં સફળ રહ્યુ હતુ. વિશ્વ ફુટબોલના સૌથી શક્તિશાળી ખેલાડી લિયોનેલ મેસ્સીની હાજરી હોવા છતાં ટીમની હાર થતા આર્જેન્ટિનાના ફુટબોલ ચાહકો નિરાશામાં ગરકાવ થઇ ગયા હતા. આ વર્લ્ડ કપમાં ત્રીજા સ્થાને નેધરલેન્ડની ટીમ રહી હતી. જ્યારે ચોથા સ્થાને બ્રાઝિલની ટીમ રહી હતી. આ વખતે નેધરલેન્ડની ટીમ ક્વાલિફાઇંગ રાઉન્ડને પાર કરી શકી નથી. છેલ્લા વર્લ્ડ કપની વાત કરવામાં આવે તો કુલ ૩૨ ટીમો તેમાં જોડાઇ હતી. ૧૨ સ્થળો પર તમામ મેચો રમાઇ હતી. જેમાં ૬૪ મેચો રમાઇ હતી. ગોલ ૧૭૧ થયા હતા. ફાઇનલમાં જર્મની અને આર્જેન્ટિનાની ટીમ તમામ પડકારોને પાર કરીને પહોંચી હતી. ફાઇનલ પહેલા એમ માનવામાં આવી રહ્યુ હતુ કે જર્મનીને તે હાર આપશે. કારણ કે ફાઇનલ સુધી મેસ્સી જ ટીમને લઇ ગયો હતો. જો કે મેસ્સીની હાજરી હોવા છતા તે ફાઇનલ મેચમાં ફ્લોપ રહ્યો હતો. બન્ને ટીમો વચ્ચે ત્રીજી વખત ફાઇનલ મેચ રમાઇ હતી. તે પહેલા બંન્ને ટીમો ૧૯૮૬ અને ૧૯૯૦માં પણ ટકરાઇ હતી. જેથી તેમની વચ્ચેની મેચને લઇને ભારે ઉત્સુકતા પ્રવર્તી રહી હતી. મેચ પણ રોમાંચક બની હતી.

(12:44 pm IST)